નવી દિલ્હી, તા. 22 : સંસદ તરફ
કૂચ, દેખાવકારો પર લાઠીચાર્જ સહિત ઉચાટભર્યા ઘટનાક્રમો
વચ્ચે આંદોલન પર અડગ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ બુધવારે સરકારના વાતચીતના પ્રસ્તાવને
ઠુકરાવી દીધો હતો. સીજેપી પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, અમે વાતચીત માટે કોઇના ઘર કે કચેરીએ જવાના નથી, સરકાર
વાતચીત કરવા ઇચ્છતી હોય તો જંતરમંતર પર આવે. આંદોલન વચ્ચે અનશન ખતમ કરવાની શરતી તૈયારી
બતાવતાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચૂકે બુધવારે કેન્દ્રીય મંત્રીઓ
જે. પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહને ચિઠ્ઠી લખી હતી. પત્રમાં વાંગચૂકે લખ્યું હતું કે,
આંદોલન કરી રહેલાં બાળકો પર કોઇ પગલાં નહીં લેવાય, તેવો ભરોસો સરકાર આપે તો અનશન ખતમ કરવા તૈયાર છું. બીજીતરફ દિલ્હી હાઇકોર્ટમાં
આજે સીજેપી સમર્થક છાત્રો સાથે મારપીટના મામલામાં સુનાવણી થઇ હતી. વડી અદાલતે સરકારને
મારપીટના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો હતો. કોકરોચ જનતા પાર્ટી
(સીજેપી)નાં આદોલનના 33મા દિવસે
બુધવારે સવારથી હજારોની સંખ્યામાં દેખાવકારો જંતરમંતર પર ઊમટી પડયા હતા. દરમ્યાન, સુરક્ષાના કારણોસર દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયાં
હતાં. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાંથી સીઆરપીએફની 20 વધારાની કંપનીઓને દિલ્હીમાં
તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. ગૃહ મંત્રાલયના આદેશથી લગભગ બે હજાર જવાનોને હવાઇ માર્ગે
દિલ્હી લવાયા હતા. હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન અધિક સોલિસીટર જનરલ એસ. રાજુએ દાવો
કર્યો હતો કે, મારપીટના આરોપ સાથે અરજીનો
હેતુ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો છે. આવા તર્ક સામે વાંધો ઉઠાવતાં વડી અદાલતે સામે સવાલ
કર્યો હતો કે, આ અરજીઓ પ્રસિદ્ધિ મેળવવા માટે છે, તેવું તમે કેમ કહી શકો ?