ગાંધીધામ/ભુજ, તા. 22 : ભચાઉ તાલુકાના
મોટી ચીરઇ કારખાના નજીક માછીમારી કરવા ગયેલા અયુબ ઇલિયાસ પરીઠ (ઉ.વ.19)ને વીજશોક લાગતાં તેનું મોત
થયું હતું. નખત્રાણામાં 29 વર્ષીય યુવાન
પ્રવીણ રમેશભાઇ ગોહિલે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. મોટી ચીરઇ
નિલકંઠ કારખાનાની સામે ગત તા. 21/7ના રાત્રે
એકાદ વાગ્યાના અરસામાં અપમૃત્યુનો આ બનાવ બન્યો હતો. નાની ચીરઇમાં રહેનાર અયુબ નામનો યુવાન કારખાનાં સામે માછીમારી
કરવા ગયો હતો ત્યાં તેને વીજશોક લાગતાં તેણે જીવ ખોયો હતો. આ બાજુ વીજવાયર ક્યાંથી
આવ્યો ? તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
નખત્રાણાના ઉમિયાકૃપા નગરમાં રહેતા પ્રવીણ ગોહિલે ગત તા. 20/7ના રાતથી બીજા દિવસની સવાર
સુધી કોઇપણ સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમના પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ
આત્મહત્યા કરી લીધાની વિગતો ગઇકાલે તેમના ભાઇ યેગેશ ગોહિલે નખત્રાણા પોલીસ મથકમાં જાહેર
કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.