• શુક્રવાર, 24 જુલાઈ, 2026

અંજારમાં સ્ટેડીયમ વિકાસનો પ્રકલ્પ દોઢ વર્ષથી ટલ્લે

અંજાર,તા.22 : અહીંના વિધાનસભા વિસ્તારમાં જુદા-જુદા  વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુર્હુત ન થતા હોવાની ફરીયાદો વખતોવખત ઉઠી છે. તેવામાં અંજારમાં સ્ટેડીયમના વિકાસ માટે  અંજાર એરીયા ડેવલોપમેન્ટ (આડા) ધ્વારા  અંદાજીત દોઢ વર્ષ અગાઉ  બે કરોડની ગ્રાન્ટ  ફાળવણી કરવામાં આવી હતી.  નાંણા ફાળવણીના લાંબા  સમય બાદ આ પ્રકલ્પ  માર્ગ અને મકાન વિભાગ શરૂ કરી શકયો નથી.ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને વહીવટીતંત્રની બેદરકારીના કારણે શહેરના રમતગમતપ્રેમીઓને આધુનિક રમતગમત સંકુલથી વિંચત  રહયુ હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. ઐતિહાસિક અંજારના સર્વાગી  વિકાસમાં  રમતગમતક્ષેત્રનો વિકાસ મહત્વનો પાસુ છે. આ ઉપરાંત  ઓલપીક -2030 ગુજરાતના યજમાન પદે યોજાશે.જેમાં રાજયના રમતપ્રેમીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સિધ્ધી હાંસલ કરે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.ત્યારે  આ રમતોત્સવને  લઈને સ્થાનિક ખેલાડીઓમાં ઉત્સાહ છે. અહીં સ્ટેડીયમ વિકાસનો પ્રકલ્પ ઝડપભેર પૂર્ણ થાય તો સ્થાનિક ખેલાડીઓને રમતઅભ્યાસનો લાભ  મળશે. માહિતગારોએ  વિગતો આપતા જણાવ્યુ હતુ કે અંજારમાં અદ્યતન સ્ટેડીયમ બનાવવા માટે અંદાજીત  પાંચ કરોડના ખર્ચની  દરખાસ્ત થઈ હતી.જે તે સમયે  આડા ધ્વારા આ પ્રકલ્પ  માટે અંદાજીત રૂા. 2 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. અને અંગે કામગીરી  અંજાર માર્ગ અને મકાન વિભાગને  સોંપાઈ હતી. લાંબા સમય વિતવા છતાં સ્થાનિક તંત્ર ધ્વારા  આ પ્રકલ્પને આગળ ધપાવવા માટે કોઈ પ્રકારની હિલચાલ  કરાઈ નથી.વહીવટીતંત્રની આ પ્રકારની બેદરકારીના  કારણે  અંદાજીત બે કરોડના ખર્ચ તૈયાર થનાર પ્રકલ્પનો ખર્ચ વધી ગયો છે.વધુમાં જાણકારોએ વિગતો  આપતા જણાવ્યુ હતુ કે  ભુતકાળના સમયમાં  અંજાર નગરપાલિકા ધ્વારા બે કરોડના ખર્ચે સ્ટેડીયમનો વિકાસ કેવી રીતે કરવો અંગેનુ માળખુ  પણ તૈયાર કરાયુ હતું. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ ધ્વારા  આ પ્રકલ્પના માટે કન્સ્લન્ટ એજન્સી  નિમવાનો  હઠાગ્રહ રાખવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓ ધ્વારા આ પ્રકલ્પ માટે કોઈ પ્રકારની હિલચાલ ન કરાઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. આ પ્રકલ્પ પૂર્ણ થયા બાદ તેનો નિભાવ કોણ કરશે તેનો પણ પ્રશ્નો ઉદભવ્યો હતો. જે તે સમયે પાલિકાએ  નિભાવની પણ જવાબદારી સ્વીકારી હોવાનુ માહિતગારોએ ઉમેર્યું હતું. અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીનો સંપર્ક કરતા તેમણે આ પ્રકલ્પનુ કામ ઝડપભેર શરૂ થઈને પૂર્ણ થાય તે  દિશામાં  ગતિવિધી હાથ ધરાઈ હોવાનુ   જણાવ્યુ હતું. અંજાર મતવિસ્તારમાં વિવિધ ઝડપભેર વિકાસના કામો હાથ ધરાયા હોવાના દાવા વચ્ચે  સ્ટેડીયમના વિકાસ માટે માતબર રકમની ફાળવણી બાદ પણ સ્થાનિક વહીવટીતંત્ર  કામ શરૂ કરાવી શકી નથી.સ્થાનિક રાજકીય ઈચ્છા શકિતના અભાવે અંજારને મહત્વકાંક્ષી પ્રકલ્પની વંચિત  રહયુ હોવાના આક્ષેપો જાગૃત નાગરીકોએ કર્યા હતા.  

Panchang

dd