• શુક્રવાર, 24 જુલાઈ, 2026

મુંદરામાં અડધો ઇંચ; માંડવી-દહીંસરામાં ઝાપટાં

ભુજ, તા. 22 : રાજ્ય પર ચાર સક્રિય વરસાદી સિસ્ટમ સર્જાઇ છે, તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના પ્રભાવથી દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કચ્છમાં પણ કેટલાક સ્થળે હળવો-મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. વરસાદ વરસવાના વર્તારા વચ્ચે જિલ્લામાં છુટાછવાયાં સ્થળે ઝાપટાંરૂપે વરસાદની હાજરી જોવા મળી છે. અષાઢ પણ અડધો વીતવાના આરે છે ત્યારે મેઘરાજા મોડે મોડે પણ સાર્વત્રિક મેઘકૃપા વરસાવી સૂકી ધરાને જળમગ્ન કરે તેવી પ્રાર્થના કરાઇ રહી છે. આજે વહેલી સવારના અરસામાં કાંઠાળ પટ્ટીના મુંદરા અને માંડવી વિસ્તારમાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં વાદળોની આવન-જાવન જોવા મળતાં વરસાદ વરસવાની આશા બરકરાર રહી હતી. મુંદરામાં બુધવારે વહેલી સવારે વરસાદી ઝાપટાંથી  મેઘરાજાનું આગમન થયું હતું. જો કે, દિવસભર વરસાદી માહોલ રહ્યા બાદ સાંજે આ લખાય છે ત્યાં સુધી વધુ વરસાદની આશા ઠગારી નીવડી હતી. મુંદરા બ્યૂરોના હેવાલ મુજબ, સવારે લગભગ પાંચ વાગ્યે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને અડધા કલાકમાં જોર વધીને ભારે ઝાપટું આવ્યું હતું, જેમાં પાણી વહી નીકળ્યાં હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદમાં પણ ખાબોચિયા ભરાયા હતા. કંટ્રોલ રૂમના સત્તાવાર આંક મુજબ સવારે 14 મિ.મી. જેટલું પાણી વરસ્યું હતું. માંડવીના અહેવાલ અનુસાર વરસાદ માટે તરસી રહેલી આ ધરા ઉપર ન્યાલ કરવાને બદલે  રાતભર ઝરમરિયા રૂપે ઝીણી ફૂવારનો છંટકાવ કરીને પાંચ મિ.મી. જેટલો ભીંનો હાથ ફેરવીને અંધારિયો માહોલ બરકરાર રાખ્યો છે. કંટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી પ્રમાણે મોડી રાતથી સવારે દસેક વાગ્યા લગી પાંચ મિ.મી. વર્ષાની નોંધ થઇ હતી. અધિક માસ ધ્યાને લેવાય તો એક મહિનો વધારાનો વીત્યો હોવાથી હવે  ધરતીના ધણીની આંખે પાણી ઊતર્યાં છે. વગડાઉ અને ઝીણો માલ આભ સામે કરગરી રહ્યો છે. કેવળ ધરતી ભીની થઈ તેથી છૂટથી પાણી નહીં રહેવાનાં કારણે રસ્તાઓ ઉપરની ચકલાણ થકી હાલાકી સર્જાઈ હોવાનો બળાપો સંભળાયો હતો. તાલુકાના અન્ય ગામોમાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. ભુજ તાલુકાના દહીંસરા વિસ્તારમાં સતત ત્રણ દિવસથી ઝાપટાંરૂપી વરસાદ વરસી રહ્યો છે. ચુનડી, પુનડી, ધુણઇ, સરલી, ગોડપર, મેઘપર પાંચાડામાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં. હજુ વાવણીલાયક વરસાદનો ઇંતજાર યથાવત્ છે. હવામાન નિષ્ણાતોના મતે હાલ દક્ષિણ ગુજરાત પર વરસાદ વરસવાની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. હાલના અનુમાન મુજબ 26 તારીખ આસપાસ કચ્છમાં પણ વરસાદનો રાઉન્ડ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીમાં શનિ-રવિ દરમિયાન જિલ્લામાં વરસાદનો વિસ્તાર વધે તેવી આગાહી કરાઇ છે. જો કે, ભારે વરસાદની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. 

Panchang

dd