• ગુરુવાર, 23 જુલાઈ, 2026

માધાપરના જયસામને લંડનમાં માનવરત્ન એવોર્ડ અર્પણ

વસંત પટેલ દ્વારાકેરા (તા. ભુજ), તા. 20 : જેણે આજીવન નિ:સ્વાર્થ ભાવે સેવા કરી છે, એવા સામજીભાઈ શિવજી દબાસિયા જયસામને બ્રિટનમાં હિન્દુ વૈદિક ધર્મ માટે કાર્ય બદલ અનુપમ મિશન દ્વારા શાલીન માનવરત્ન એવોર્ડ એનાયત કરાયો છે, સામજીભાઈએ કચ્છમાં કે. કે. પટેલ હોસ્પિટલમાં 16 કરોડ અને જયસામ ડાયાલિસીસ વિભાગ માટે મોટું યોગદાન આપ્યું છે. મૂળ માધાપરના 65 વર્ષથી લંડનમાં જયસામ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક સામજીભાઈ દર વર્ષે 10 કરોડથી વધુનું દાન કરી રહ્યા છે, હાલ બ્રિટનમાં ઇન્ડિયા ગાર્ડન નિર્માણ માટે ચાવીરૂપ ભૂમિકા કચ્છ લેવા પટેલ કમ્યુનિટીને આપી રહ્યા છે. સુરત કિરણ હોસ્પિટલમાં આંખ વિભાગ એમના માતાનાં નામે છે, જ્યારે ભુજમાં કે. કે. પટેલ હોસ્પિટલમાં વસંત પટેલનાં દાન સંકલન હેઠળ 16 કરોડ જેટલી મોટી સેવા સાથે લેવા પટેલ હોસ્પિટલમાં જિલ્લાનો સૌથી મોટો અને સુવિધાસભર વિભાગ એમનાં દાનથી કાર્યરત છે, કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં ભૂમિ ખરીદી અને ડિજિટલ શિક્ષણ, માધાપર નવચેતન અંધજન મંડળ સહિત અનેક સંસ્થાઓ  માટે અનુદાન છે, તો યુકે લેવા પટેલ કમ્યુનિટી સર્જિત ઇન્ડિયા ગાર્ડન માટે કરોડોનું દાન આપ્યું છે, લંડનમાં હિન્દુ સ્મશાન નહોતું અને અનુપમ મિશન દ્વારા આ કાર્ય આરંભાયું, ત્યારે તમામ લાકડાંનું જોઈનરી કાર્ય સામજીભાઈએ કરાવી આપ્યાની માહિતી લંડનમાં યોજાયેલા એવોર્ડ અર્પણ સમારોહમાં સતિશ દાદાએ આપી આભાર માન્યો હતો. આ પ્રસંગે બોલતા સામજીભાઈએ કહ્યું કે, બ્રિટનવાસી હિન્દુઓ પાસે બંગલા છે, ચકચકિત કાર છે, પણ સાત વૈદિક સંસ્કારમાં મહત્ત્વનું અગ્નિ સંસ્કાર કેન્દ્ર નહોતું, ત્યારે અનુપમ મિશને ઝડપેલાં બિડા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વાક્રોફ્ટ કન્સ્ટ્રકશન મિતેશભાઈ વેકરિયાનો ખાસ ઉલ્લેખ કરતાં થયેલા સર્જન માટે ઇતિહાસ અને નવી પેઢી યાદ કરશે એમ ઉમેર્યું હતું. સામજીભાઈ જમીન સાથે જોડાયેલા દાતા હોવાનું યુકે કમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરિયાએ જણાવતા ઇન્ડિયા ગાર્ડન માટે જયસામના પુરુષાર્થને વધાવ્યું હતું. કચ્છીને મળેલા અદકેરા એવોર્ડ માટે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી, યુકેનાં સ્વામિનારાયણ મંદિરો, ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, જાણીતા કચ્છી દાતા અને કચ્છને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ભાગીરથ એવા ગોપાલભાઇ ગોરસિયા, મોભી અરજણભાઇ પિંડોરિયા, દાતા કાનજીભાઇ  જેસાણી, કચ્છી દાનવીર કે. કે. પટેલ સહિત શિક્ષક વસંત પટેલે એક મુઠ્ઠીઊંચેરી વ્યક્તિના સન્માન બદલ અભિનંદન આપ્યાં હતાં. સામજીભાઈના પૈતૃક ગામ માધાપરમાં આનંદ ફેલાયો હતો. તેમના પ્રદાન માટે પદ્મપુરસ્કાર માટે પણ નોમિનેશન કરનાર છે, સામજીભાઈ અને તેમના પત્ની વિજ્યાબેન દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરાવાઈ રહ્યો છે.

Panchang

dd