ભુજ, તા. 20 : કચ્છમિત્રએ
જિલ્લાકક્ષાનું અખબાર હોવા છતાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી
કરી છે, ત્યારે આગામી દિવસોમાં કચ્છમિત્રને ગ્લોબલ બેન્ચ માર્ક
બનાવવાની નેમ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ કચ્છમિત્રના
80મા જન્મદિવસની ઉજવણીના અવસરે નેમ વ્યક્ત કરી હતી. કચ્છમિત્રની આઠ દાયકાની અડગ સફરને
અવરીને વધાવવા માટે આયોજિત કાર્યક્રમમાં પરિવારની સંઘભાવનાને બિરદાવવામાં આવી હતી.
કચ્છમિત્રનો જન્મદિન દર વર્ષની જેમ કચ્છનો લોકઉત્સવ બન્યો હોય તેમ દરેક તાલુકામાં કાર્યક્રમો
યોજાયા હતા. આજે સવારથી રાત સુધી કચ્છમિત્ર ભવનમાં મુલાકાતીઓનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.
હાર્દિકભાઇ, જન્મભૂમિ ગ્રુપના મુખ્યતંત્રી કુન્દન વ્યાસ તથા ટ્રસ્ટી
સંજયભાઇ એન્કરવાલાએ વીડિયો કોન્ફરન્સિંગથી સર્વેનો આભાર માન્યો હતો.
11 મિયાવાકી વન ઊભાં કરાશે
ડેન્માર્કથી વીડિયો કોન્ફરન્સિંગ મારફત 80મા જન્મદિવસની શુભેચ્છા
પાઠવતાં હાર્દિકભાઈ મામણિયાએ કચ્છમિત્ર દ્વારા જિલ્લામાં 11 સ્થળે મિયાવાકી વન ઊભાં
કરવાની જાહેરાત કરી. હાર્દિકભાઈએ પડકારોનો સામનો કચ્છમિત્રએ જે આ અકલ્પનીય અને અવિશ્વસનીય
સફળતા મેળવી છે તે બદલ સમગ્ર કચ્છમિત્ર પરિવારની પીઠ થાબડી હતી.
બે મોટા પ્રોજેક્ટ પર કામ
આ વર્ષ દરમિયાન જન્મભૂમિ ગ્રુપ દ્વારા બે મોટા પ્રોજેક્ટ પર
કામ હાથ ધરવાનું છે. એ વિશે વિગત આપતાં હાર્દિકભાઈ મામણિયાએ કહ્યું કે, ડિસેમ્બર માસમાં વિશ્વભરમાં વસતા કચ્છીઓનું
વિશાળ સંમેલન યોજવા માટેની તૈયારી ચાલી રહી છે. એ જ રીતે જાન્યુઆરીમાં રાજકોટમાં ફૂલછાબના
ઉપક્રમે જાણીતા કથાકાર મોરારિબાપુની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ડિજિટલ ક્ષેત્રે ઉચ્ચસ્તરીય કામ કરાશે
કચ્છમિત્રએ પ્રિન્ટની સાથે ડિજિટલ મીડિયામાં પદાર્પણ કર્યું
છે, ત્યારે આગામી સમયમાં ડિજિટલ ક્ષેત્રે ઉચ્ચસ્તરીય
કામ કરવાની નેમ વ્યક્ત કરતાં હાર્દિકભાઈએ કહ્યું કે, કચ્છમિત્રની
પૂર્તિ આ વખતે એઆઈ થીમ આધારિત બનાવાઈ છે. આગામી સમયમાં એ.આઈ.નો મહત્તમ ઉપયોગ કરવાની
પ્રતિબદ્ધતા દેખાડી હતી.
કચ્છના વિકાસમાં કચ્છમિત્રનું પ્રદાન
જન્મભૂમિ જૂથના સીઈઓ અને મેનેજિંગ તંત્રી કુન્દનભાઈ વ્યાસે કચ્છના
વિકાસમાં કચ્છમિત્રના પ્રદાનને બિરદાવવા સાથે
જન્મભૂમિ ગ્રુપને આઠ દાયકાની આ સરફમાં જોડાવા મળ્યું તેનો રાજીપો દેખાડયો હતો. કુન્દનભાઈએ
કચ્છમિત્રના આ ઉત્સવને આખા કચ્છનો લોકોત્સવ ગણાવી કચ્છનું આ જનપ્રિય અખબાર શતાબ્દી
તરફ આગળ ધપી સફળતા મેળવે તેવી શભેચ્છા પાઠવી હતી.
સંઘભાવના અને સમર્પણ ભાવ અદ્ભુત
કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે 80મા વર્ષના પ્રવેશ અવસરે પોતાની
લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, કચ્છમિત્ર
પરિવારની સંઘભાવના અને સમર્પણ ભાવ શ્રેષ્ઠ છે. આ જ ખાસિયતના કારણે કચ્છમિત્રએ પડકારોનો
સામનો કરી આફતને અવસરમાં પલટાવવાનું કામ કર્યું છે. દીપકભાઈએ કહ્યું કે, 80મું વર્ષ ગૌરવવંતુ છે. કચ્છમિત્રની સફળતામાં દરેક કર્મચારીની મહેનત ઉપરાંત
એજન્ટો, પ્રતિનિધિઓ, વિતરકોના પસીનાની સુવાસ
ફેલાયેલી છે તેમ કહી કામ કરનારની હંમેશાં પીઠ થાબડવામાં આવતી હોય છે.
ટેક્નોલોજીનો વ્યાપ વધારાશે
કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયાએ આગામી સમયમાં ટેક્નોલોજીનો
વ્યાપ વધારાશે તેમ કહી અત્યાર સુધી જે રીતે
ટીમવર્કથી કામ કર્યું છે, તેવી જ રીતે
આગામી સમયમાં કરતા રહી કચ્છમિત્રને નવી ઊંચાઈએ લઈ જવા સંકલ્પબદ્ધ થવાની કટિબદ્ધતા દેખાડી
હતી. મદદનીશ તંત્રી નિખિલ પંડયા અને મદદનીશ વ્યવસ્થાપક હુશેન વેજલાણીએ પડકારોનો સામનો
કરી ટેક્નોલોજીનો સમન્વય સાધી કામ આગળ ધપાવતા
રહેવા જણાવ્યું હતું.
કેક કાપીને ઉજવણી
કચ્છમિત્રના 80મા વર્ષના પ્રવેશની ઉજવણી કેક કાપીને કરવામાં
આવી હતી. પરિવારના મહિલા કર્મચારીઓ ડો. પૂર્વી ગોસ્વામી, સ્નેહા ઠક્કર, હેતલ પંજાબી
સાથે કોર્પોરેટ બ્યૂરો ચીફ અઝીમ શેખ, ઉદય એડના દત્તુ ત્રિવેદી
અને વિતરક ઈમરાન બ્રેર જોડાયા હતા. ઉજવણી માટે
યોજાયેલા કાર્યક્રમમાં દત્તુભાઈ ત્રિવેદી, અઝીમ શેખ, ઈમરાન બ્રેર ઉપરાંત કર્મચારીઓ વતી જતિન જોશી, હાર્દિક
રાજગોરે પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. સંચાલન પૂર્વી ગોસ્વામીએ કર્યું હતું.