• બુધવાર, 03 જૂન, 2026

ભગવત નામ મનની આશક્તિઓ ને દૂર કરનાર પરમ તત્વ

રશ્મિન પંડ્યા દ્વારા: અંજાર,તા. 2 : બરસાના ના ચિકસોલી ગામ ખાતે કથા સ્થળ `રાસ મંડપ` માં આયોજિત શ્રીમદ વ્રજપ્રભા ગ્રંથ પારાયણ સપ્તાહના દ્વિતીય દિવસે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. વ્યાસપીઠ પરથી વક્તા એ  વ્રજપ્રભા ગ્રંથના વિવિધ પ્રસંગોનું ભાવપૂર્ણ નિરૂપણ કરી ઉપસ્થિત રસિકજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. કથા મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ કથાના અમૃતમય રસનો આસ્વાદ કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. - સેવા કરતા સેવકો ના હસ્તે પોથી પૂજન  : દ્વિતીય દિવસના મનોરથી કર્માબેન રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. કથામાં વિવિધ સેવાઓ બજાવતા સેવકોના હસ્તે આરતી તથા પોથીપૂજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્યાસપીઠ પરથી ત્રિકમદાસજી મહારાજે આ સેવાભાવી અભિગમને બિરદાવી રાવત પરિવારની ઉદારતા અને મોટાપણાની પ્રશંસા કરી હતી. વ્યાસાસન પરથી મહારાજે જણાવ્યું હતું કે, `ભગવત નામ મનની આશક્તિઓને દૂર કરનાર પરમ તત્વ છે.` તેમણે સુંદરદાસજી મહારાજ અને રસાત્મિક સદગુરુ વચ્ચે થયેલા અલૌકિક સંવાદ, ગુરુ-શિષ્યના અદ્વિતીય મિલન અને જ્ઞાનપ્રાપ્તિના પ્રસંગોનું વિસ્તૃત વર્ણન કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. સાથે જ સુદર્શન મંત્ર અને ગુરુમંત્રના ગાન તથા તેના દિવ્ય મહિમાનું પણ સુંદર નિરૂપણ કર્યું હતું. - સુંદરદાસજીને સોંપવામાં આવેલ અલૌકિક પ્રસંગનું વર્ણન : મહારાજે રસાત્મિક માર્ગની આગેવાની સુંદરદાસજીને સોંપવામાં આવેલા અલૌકિક પ્રસંગનું વર્ણન કરી સંપ્રદાયની સ્થાપનાથી સૌને અવગત કરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્ઞાનના પ્રકાશથી જીવ જાગૃત બને છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને પરમજ્ઞાની કેશવભટ્ટ વચ્ચેના સંવાદ તથા શાસ્ત્રાર્થનું વર્ણન કરતાં કેશવભટ્ટને પૂર્વજન્મમાં સ્વયં અક્રૂરજી હોવાનો દિવ્ય બોધ પ્રાપ્ત થયાનો પ્રસંગ પણ રજૂ કર્યો હતો.સેવાના મહાત્મ્યને સમજાવતા મહારાજે રાવત પરિવાર દ્વારા કથા શ્રવણ માટે પધારેલા રસિકજનોની કરવામાં આવતી સેવાઓને ઉત્તમ ઉદાહરણ ગણાવી હતી. સાથે જ કથામંડપમાં વિવિધ પ્રકારની સેવા આપતા સેવકો અને રસિકજનોની સેવાભાવનાને પણ વ્યાસપીઠ પરથી બિરદાવવામાં આવી હતી.શ્રીમદ વ્રજપ્રભા ગ્રંથના ભક્તિરસનો આસ્વાદ કરાવતા મહારાજએ ગોપીઓ અને શ્રીકૃષ્ણની રાસલીલાનું વર્ણન કરી જણાવ્યું હતું કે રાસમાં અભિમાનનો કોઈ પ્રવેશ નથી, કારણ કે ત્યાં માત્ર પ્રભુપ્રતિનું સંપૂર્ણ સમર્પણ જ રહેલું હોય છે. તેમણે ઉદ્ધવજીના જ્ઞાનાભિમાનનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે અભિમાન ભક્તિના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે અને અભિમાનથી પરમધામની પ્રાપ્તિ શક્ય નથી.આ પ્રસંગે ગ્રંથના વિવિધ અંગો જેવા કે અભ્યુત નિશાની, ક્ષેમાંગ નિશાની, છંદન નિશાની, સલોતર નિશાની, મધૂપ નિશાની, વીતરંગ નિશાની, અનુપમ નિશાની, લીલપ નિશાની, રાસંગ નિશાની, રમજ નિશાની તથા સર્વત નિશાનીના સ્વરૂપો અને મહત્ત્વ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. - સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહો : આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ પર પશ્ચિમી સંસ્કૃતિની વધી રહેલી અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતીને મહારાજે વર્તમાન તથા ભાવિ પેઢીને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે `રાધે' નામમાં જ સર્વ પ્રકારનું દિવ્ય જ્ઞાન સમાયેલું છે અને રાધે નામનું સ્મરણ જ જીવને પરમધામ સુધી પહોંચાડવાનો આધાર બની શકે છે. કથા મંડપમાં સ્વયં રાધારાણીની ઉપસ્થિતિની ભાવપૂર્ણ અભ્યર્થના વ્યક્ત કરતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.  પ્રસાદના મહાત્મ્ય અંગે સમજાવતા મહારાજે જણાવ્યું હતું કે ઠાકુરજીને અર્પણ કરાયેલ પ્રસાદનું હંમેશા સન્માનપૂર્વક ગ્રહણ કરવું જોઈએ, કારણ કે પ્રસાદના સેવનથી તન અને મન બંને પવિત્ર બને છે. તેમણે યોગ્ય રાગ અને ભાવપૂર્વક કરવામાં આવતું ગાયન પ્રભુને અતિ પ્રિય હોવાનું જણાવી સંગીતમાં રહેલી શુદ્ધતા આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક બને છે એમ જણાવ્યું હતું. - સામાજિક સમરસતા ઉપર ભાર મુકાયો : સામાજિક સમરસતા પર ભાર મૂકતા મહારાજએ ધર્માનિંદા, ગુરાનિંદા, બ્રહ્માનિંદા અને ભક્તાનિંદાથી દૂર રહેવાની હાકલ કરી હતી. તેમણે જાતિ-જ્ઞાતિના ભેદભાવોને ત્યજી સનાતન સંસ્કૃતિના મૂળ મૂલ્યોને અપનાવવાનો સંદેશ આપ્યો હતો. સમાજમાં વધતા વૃદ્ધાશ્રમોને ચિંતાજનક ગણાવી પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી હતી. સાથે જ ધંધા-વ્યવસાયમાં છળ, કપટ અને અનીતિનો ત્યાગ કરી સત્ય અને નૈતિકતાના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.સેવાના મહાત્મ્ય અંગે મહારાજે જણાવ્યું હતું કે સંપ્રદાયમાં વર્ણવાયેલ પ્રભુસેવાના સોળેય પ્રકાર સંપૂર્ણ ભાવ, શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવા જોઈએ. તેમણે ગૌસેવા અને ગૌરક્ષણ પર વિશેષ ભાર મૂકતા દેશી કાંકરેજ ગાયોના પાલનનું મહત્ત્વ સમજાવ્યું હતું અને દેશી ગાયમાંથી પ્રાપ્ત થતા દૂધ, ઘી તથા માખણને અમૃત સમાન ગણાવ્યા હતા.- પ્રસાદ, સેવાનું, ગૌ માતાનું મહાત્મ્ય વર્ણવ્યું : દ્વિતીય દિવસની કથામાં ત્રિકમદાસ મહારાજે સદગુરુનું માહાત્મ્ય, પ્રસાદનું માહાત્મ્ય, સેવાનું મહાત્મ્ય તથા ગૌમાતાનું મહાત્મ્ય વિષે વિસ્તૃત માર્ગદર્શન આપતાં સમગ્ર કથા મંડપને ભક્તિ અને જ્ઞાનના રંગે રંગી દીધો હતો. આ ઉપરાંત બરસાનાના રાધારાણીજીના મંદિરમાં રતનાલથી લાવવામાં આવેલા વસ્ત્રો અને શૃંગાર ધારણ કરાવવામાં આવતા ઉપસ્થિત ભાવિકોમાં આનંદ અને હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.કથા દરમિયાન ત્રિકમદાસ અને સાધુ ભગવાનદાસ મહારાજે પોતાની આગવી સંગીતમયી શૈલીમાં ભજન-કીર્તન અને ધૂનની એવી રમઝટ બોલાવી હતી કે સમગ્ર રાસ મંડપ ભક્તિમય બની ગયો હતો અને ઉપસ્થિત રસિકજનો મનમુકીને ભક્તિના રંગે રંગાઈ દિવ્ય આનંદની અનુભૂતિ કરી હતી.ઉલ્લેખનીય છે કે ચિકસોલી ખાતે આયોજિત આ ભવ્ય શ્રીમદ વ્રજ પ્રભા ગ્રંથ પારાયણ સપ્તાહના સફળ આયોજનમાં મનોરથી રાવત પરિવારના બેચરાદાસ રાવત, લક્ષ્મણભાઈ રાવત, માંડણભાઈ રાવત, જીતેશભાઈ તથા ઉમેશભાઈ ના માર્ગદર્શન માં રસિકજનો સેવાઓ આપી રહ્યા છે. 

Panchang

dd