• બુધવાર, 03 જૂન, 2026

પ્રાગપરમાં સર્જાશે સંસ્કાર-ચારિત્ર્ય-ધર્મ જાગૃતિનો ત્રિવેણી સંગમ

પ્રાગપર, તા. 2 : સમાજમાં ધર્મ, સંયમ, ચરિત્ર અને સંસ્કારના પુન: જાગરણ માટે મુંદરા તાલુકાના પ્રાગપર ગામે એક પ્રેરણાદાયી  આયોજન થવા જઈ રહ્યું છે. ગુરુદેવ આચાર્ય ડો. પ્રકાશચંદ્રજી સ્વામીનાં સાંનિધ્યમાં આગામી 4, 5 અને 6 જૂન દરમિયાન ત્રિદિવસીય વિશાળ ધાર્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ યુવા પેઢીના જીવનઘડતર, સંસ્કાર નિર્માણ અને ચારિત્ર્ય મજબૂતી માટેનો એક જીવંત પ્રયોગ બની રહેશે. 70થી 80 જેટલા યુવાનો મુંબઈ સહિત વિવિધ શહેરોમાંથી ખાસ આ શિબિરનો લાભ લેવા માટે પ્રાગપર આવી રહ્યા છે. ત્રણ દિવસીય આ આધ્યાત્મિક શિબિરમાં સાધુ-સાધ્વી ભગવંતો દ્વારા જૈન ધર્મનો મર્મ, શ્રાવકત્વની પ્રાપ્તિ, આત્મકલ્યાણ, જૈન તત્ત્વજ્ઞાન, આસ્થા, સંયમ, સદાચાર, ચારિત્ર્ય નિર્માણ અને જીવન જીવવાની સાચી દિશા જેવા અગત્યના વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવશે. શિબિર દરમિયાન પ્રવચનો, સ્વાધ્યાય, પ્રશ્નોત્તરી, આધ્યાત્મિક ચિંતન, સંસ્કારલક્ષી માર્ગદર્શન તથા જીવનમૂલ્યોને સ્પર્શતી પ્રેરણાદાયી ચર્ચાઓ યોજાશે. મુંદરા તાલુકાના પ્રાગપર ગામે ગુરુદેવ આચાર્ય ડો. પ્રકાશચંદ્રજી સ્વામીનો મંગલ પ્રવેશ થયો હતો, જ્યાં તેઓ આગામી 21 દિવસ સુધી સ્થિરતા કરશે. લીંબડી અજરામર સંપ્રદાય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હરખચંદ લાલજી સાવલા તથા પ્રભાબેન સાવલાએ સજોડે આજીવન શીલવ્રતના પચખ્ખાણ ગ્રહણ કરી ધર્મ અને સંયમ પ્રત્યેની અનન્ય આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંદાજે રૂા. 2 લાખ જેટલો જીવદયાનો ફાળો એકત્રિત થયો હતો તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

Panchang

dd