• બુધવાર, 03 જૂન, 2026

શ્રીમદ્ ભાગવતનાં શ્રવણ દ્વારા જીવનને આધ્યાત્મિક દિશા પ્રાપ્ત થાય

સુખપર (તા. ભુજ), તા. 2 : અહીં કચ્છ મેવાડા સુથાર મહિલા મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વિખ્યાત કથાકાર શાસ્ત્રી નયનભાઈ રાજગોર શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવી રહ્યા છે. કથાના પ્રારંભે સ્વામી પ્રદીપ્તાનંદજી મહારાજ તથા સમાજની મહિલાઓ અને વડીલોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. પ્રસંગોપાત આશીર્વચનમાં સ્વામીજીએ શ્રીમદ્ ભાગવતનાં શ્રવણ દ્વારા જીવનને આધ્યાત્મિક દિશા પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું હતું. તેમણે માનવજીવનનાં પરમ લક્ષ્ય, મોક્ષપ્રાપ્તિનો માર્ગ તેમજ વર્તમાન સમયમાં ઊભી થતી વિવિધ વિકટ પરિસ્થિતિઓ વચ્ચે તન અને મનને સ્વસ્થ, સ્થિર અને પ્રસન્ન રાખવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગત પાંચ દિવસ દરમિયાન શાસ્ત્રી નયનભાઈએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ તથા સનાતન ધર્મના વિવિધ ગ્રંથો અને પુરાણોમાંથી અનેક પ્રેરણાદાયી પ્રસંગો, દૃષ્ટાંતો અને જીવનમૂલ્યો રજૂ કરી શ્રોતાઓને જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની તથા અંતરયાત્રા દ્વારા આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે. કથા દરમિયાન ભગવાનના વિવિધ અવતારોની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. વિશેષ કરીને વામન ભગવાનનાં દિવ્ય ચરિત્ર, ભગવાન શ્રીરામના આદર્શ જીવન અને મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપ તથા ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું જીવંત અને હૃદયસ્પર્શી બાળકોની આબેહૂબ વેશભૂષા સાથે નિરૂપણ કરવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા સહિતના પ્રસંગોનું ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . ગોવર્ધન પૂજાના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણનાં સ્વરૂપનું વિશેષ દર્શન અને પૂજન યોજાતા ભક્તોમાં અનોખો આનંદ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. કથાના દૈનિક કાર્યક્રમ ઉપરાંત દરરોજ રાત્રે સંતવાણી, સત્સંગ, ભજન અને આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે. એક વિશેષ સત્રમાં જાણીતા સાહિત્યકાર ડો. પૂર્વી ગોસ્વામીએ `નારી ચેતના' વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે મહિલાઓને તેમની અંદર રહેલી શક્તિ, ક્ષમતા અને સંસ્કાર શક્તિને ઓળખી પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. કચ્છ મેવાડા સુથાર સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં કથાસ્થળે ઉપસ્થિત રહી આ જ્ઞાનગંગાનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત દૂર વસતા સમાજજનો પણ યુ-ટયુબનાં માધ્યમથી ઘરબેઠાં કથાશ્રવણ કરી ભક્તિ અને જ્ઞાનના આ મહાયજ્ઞમાં સહભાગી બની રહ્યા છે. આ સમગ્ર સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમાજમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કારાસિંચન, આધ્યાત્મિક ઉન્નતિ અને સામૂહિક એકતાનું ઉત્તમ માધ્યમ બની રહ્યો છે. 

Panchang

dd