• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

રૂક જાના નહીં તું કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે...

અમારો નાનો એવો પાંચ વર્ષનો પાર્થ 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કરવા માટે ઉતાવળો બન્યો હતો. કારણ કે, તેને દેશભક્તિ ગીતમાં અભિનય કરવાનો હતો. દેશભક્તિનું ગાન કરતાં નીકળેલી બાળકોની પ્રભાતફેરીમાં અન્ય બાળકો સાથે પાર્થ શાળાએ પહોંચવાનો હતો, પણ આ આયોજન ધરતીકંપે ખોરવી નાખ્યું. અમે પરિવારજનો તો હજુ ઘરે પાર્થના અભિનયને નિહાળવા જવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યાં વચ્ચે ઊભી થયેલી ધ્રુજારીના લીધે અમે ઘરની બહાર નીકળ્યા. આસપાસ ઉહાપોહ વચ્ચે કંઈ સૂઝે નહીં, પણ પાર્થની ચિંતા વાયુવેગે થવા લાગી, ગામની કઈ શેરીમાં શોધવો? એકબીજાને પૂછતાં-પૂછતાં અમે એક શેરીથી બીજી શેરીએ શોધખોળ શરૂ કરી. ત્યાં વાલીઓને બંને પ્રકારે રોતા જોયા. કોઈ બાળકની ઈજા/મૃત્યુથી દુ:ખી થઈ આંસુ રોકી નહોતા શક્યા, તો કોઈ પોતાનાં બાળકને સાજો-નરવો જોઈને હરખભેર રડી રહ્યા હતા. એક જ રુદનમાં બે પ્રકારના ભાવનો અહેસાસ ત્યારે થયો ! આ બધાની વચ્ચે મને પાર્થ દેખાયો. એની હાલત જોઈને તો મારી અરેરાટી છૂટી ગઈ. તેના ચહેરા પર પથ્થર એવી રીતે પડયો હશે કે ડાબો ભાગ આખો છુંદાઈ ગયો હતો. લોહીલુહાણ ચહેરા પર આંખ અને નાક તો પૂરેપૂરા છુંદાઈ ગયા હતા. કાન તો લટકતો હતો. હું સીધી પાર્થને લઈને બસ સ્ટેન્ડ તરફ જવા દોડી. એને મારા ખોળામાં જોતાં મારું મગજ ખૂબ વ્યથિત હતું. અમે જેમતેમ કરી ભુજ આર્મી હોસ્પિટલ પહોંચ્યા. પ્રાથમિક સારવાર આપી, પાર્થને કોઈ મોટા સેન્ટર પર લઈ જવા કહ્યું, એટલે અમે સાંજે મહેસાણા પહોંચ્યા. ત્યાંની લાયન્સ હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત પાર્થ પ્રથમ દર્દી હતો, ત્યાં બધાને કચ્છની પરિસ્થિતિની જાણ કરી એટલે એ લોકોએ આગળ રાહતસેવાની કામગીરી ચાલુ કરી અને અમારા દીકરાની સર્જરી કરી. રહેવા-જમવાની તમામ વ્યવસ્થા માટે હોસ્પિટલ અને જૈનબંધુ ચંદ્રકાંતભાઈની મદદથી કૃપાયમાન થયા. પંદર દિવસે ત્રણ ઓપરેશન અને પાટાપિંડીથી પાર્થના ઢંકાયેલા ચહેરે અમે ત્યાંથી વિદાય લીધી. અમારી જીવનગાડી પાટા પર આવતી ગઈ, પરંતુ પાર્થની આંખ હજુ પણ ત્રાંસી હતી એટલે મુંબઈની જસલોક હોસ્પિટલમાં વર્ષ 2002 અને 2003 એમ બે વાર સર્જરી કરાવી, જે સફળ રહી. આજે 31 વર્ષનો અમારો યુવાન દીકરો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. લગ્ન પણ કરી લીધા અને બે નાનાં બાળક પણ છે. તેના ચહેરા પરનું `વેનિશિંગ માર્ક' અમને રોજ ભૂકંપની યાદ અપાવે છે. ( કુકમાના હાલે હરિદ્વાર રહેતા છાયાબેન વરૂએ પોતાના ભત્રીજા પાર્થની ભૂકંપ સમયની સંવેદનશીલ પરિસ્થિતિ સાથે તેની હિંમતનું વર્ણન કરીને સૌને બોધપાઠ આપ્યો છે.)  

Panchang

dd