મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 24 : નખત્રાણામાં
ભરચક ટ્રાફિક રહે છે એ વિસ્તારોમાં શાળાઓ પણ આવેલી છે, જ્યાં શાળા છૂટયા બાદ બાળકોને રસ્તા ઓળંગવા
મુશ્કેલી અનુભવાય છે. સોમવારે હાઇવે પર આવેલી કુ. તેજલ દામજી કન્યાશાળાના મુખ્ય ગેટ
પાસે સાંજના રજા પડવા સમયે એક ભારેખમ વાહન ગતિ સાથે નીકળ્યું ત્યારે આ બાબત જોવા મળી
હતી. મેઇન ગેટથી નીકળતા કોઇ એકલા વિદ્યાર્થીઓ, તો કોઇ પોતાના
માવિત્રો સાથે નીકળતા બાળકોને ખાસ કરીને ભારેખમ વાહનોના કારણે પોતાના હાથ પકડીને ઊભા
રહી જવાનો વારો આવી ગયો હતો. નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઇ કંસારા,
મહામંત્રી અરવિંદભાઇ રૈયાણીએ આ અંગે પોતાના મંતવ્યમાં કહ્યું હતું કે,
ટ્રાફિકની આ સમસ્યાના હલ માટે સ્પીડબ્રેકર તથા રેડિયમ પટ્ટા ખાસ જરૂરી
છે. તેઓએ ગીચ ટ્રાફિકના કારણે અકસ્માત નિવારવા હાલમાં બસ સ્ટેન્ડ, કન્યા શાળાથી આગળ ધર્મશાળા પાસે જ્યાં મેઇન બજારની એન્ટ્રી થાય છે ત્યાં કુમાર
શાળા છે, તો ધર્મશાળા પાસે સ્પીડબ્રેકર, એનાથી આગળ રાઠોડ હોસ્પિટલનો પ્રવેશ થાય તે હાઇવે પર તો એકાદ આરામગૃહ તેમજ આગળ
કે.વી. હાઇસ્કૂલ પાસેના હાઇવે વળાંક પર સ્પીડબ્રેકર માટે સૂચન કર્યું હતું. તો એસ.ટી.
વર્કશોપથી મોટી વિરાણી ફાટક (કોટડા રોડ) સુધી રેડિયમ પટ્ટા લગાવાય એ જરૂરી છે. પહેલાં
આ રસ્તે રેડિયમ પટ્ટા લગાવેલા હતા. સ્પીડબ્રેકર અને રેડિયમ પટ્ટાનું કામ સત્વરે થાય
એવું પ્રમુખ અને મંત્રીએ માંગ કરી હતી. નખત્રાણાના આ હાઇવે પરથી ના. સરોવર,
માતાના મઢ, હાજીપીર, કોટેશ્વર
જેવા ધામો, તો જોવાલાયક સ્થળો ઉપરાંત પવનચક્કીના પુરજા,
ભારેખમ મશીનરી લઇ જતાં વાહનો ઉપરાત નર્મદાનાં પાણીના મોટા પાઇપો ઉપરાંત
મીઠાંનું પરિવહન કરતાં વાહનોની અવરજવર હોય છે, જેથી નાનાં વાહનો
તેમજ શાળાએ જતાં બાળકો માટે આ રસ્તા જોખમભર્યા છે જ. ભૂતકાળમાં શાળાના દરવાજા આગળ જ
એક મહિલાનું ટ્રેઇલરના હડફેટે મૃત્યુ થયું હતું. તો થોડા દિવસ પહેલાં એક માલધારીનો
પણ ભારે વાહન તળે જીવ ગયો હતો, તો વથાણમાં રવિવારે અકસ્માત દરમ્યાન
ટ્રેઇલરની હડફેટે હોન્ડાચાલકનો માંડમાંડ બચાવ થયો હતો તેવું નગરજનોએ કહ્યું હતું.