ભુજ, તા. 24 : ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર
ચલાવતાં-ચલાવતાં એક હાથમાં મોબાઈલ પર વાતો કરવી જાણે ફેશન બની ગઈ હોય તેમ કચ્છના શહેરો, હાઈવે કે પછી ગામડામાં પણ મોટાભાગના વાહનચાલકો
દ્વારા એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં મોબાઇલનો કરાતો ઉપયોગ અન્ય વાહનચાલકો અને
રાહદારીઓ માટે જોખમ સર્જી રહ્યા છે. જો કે, શહેરમાં ઠેકઠેકાણે
સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં કેટલાક કિસ્સાઓને બાદ કરતાં પોલીસની નિક્રીયતા સામે
જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. એકતરફ શહેરમાં વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી
છે, જેના કારણે માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે,
તો બીજીતરફ વાહનચાલકો દ્વારા ચાલતાં વાહને મોબાઇલનો ઉપયોગ દિનબદિન વધી
રહ્યો છે, તેમાંય ખાસ કરીને યુવાનો બે પૈડાંવાળાં વાહનો ચલાવતાં-ચલાવતાં
મોબાઈલ પર વાત કરે છે અને સોશિયલ મીડિયાના મેસેજ પણ જોતાં હોય અથવા કરતા હોય તેવા દૃશ્યો
સામાન્ય થઈ પડયા છે, આવું કરવું જોખમ ઉઠાવવા સમાન હોવાનું જાગૃત નાગરિકો
જણાવી રહ્યા છે. આવા વાહનચાલકો અન્ય વાહનચાલકો કે રસ્તે જતા રાહદારીઓ માટે અકસ્માતનું
કારણ બની શકે તેમ હોવા છતાં પોલીસ દ્વારા એકલદોકલ કિસ્સામાં કાર્યવાહી કરી સંતોષ માની
લેવાતો હોવાનો ગણગણાટ જાગૃત નાગરિકોમાંથી સંભળાઈ રહ્યો છે. કેટલાક વાહનચાલકો ખભા અને કાન વચ્ચે ફોનને ટેકવી
આરામથી વાતો કરતા વાહનો ચલાવતા જતા હોય છે, જેમનું આજુબાજુના
વાહનો કે રાહદારીઓ તરફ જરા પણ ધ્યાન હોતું નથી, આવા વાહનચાલકો
પોતાની સાથે-સાથે અન્ય લોકો માટે પણ અકસ્માતનું જોખમ નોતરી શકે છે. તો કેટલાક ટુ વ્હીલરચાલકો
તો વળી પગ પર પગ ચડાવી મોબાઈલમાં વાતો કરતાં-કરતાં આરામથી વાહનો ચલાવતા જતા હોય છે,
તો કેટલાક ફોર વ્હીલરચાલકો ગમે તેવા ટ્રાફિકમાં ફુલસ્પીડ સાથે મોબાઈલ
પર વાતો કરતા જતા હોય છે, ત્યારે આવા વાહનચાલકો સામે આકરા દંડની
કાર્યવાહી થવી જોઈએ, તેવો મત પ્રવર્તી રહ્યો છે. આવા વાહનચાલકો એક તો અનિયંત્રિત ગતિએ વાહનો ચલાવે છે અને જો કોઈ નાનાં
વાહનને અડી જાય તો પોતાનો જ વાંક હોવા છતાં સામેવાળા ચાલકને દબડાવતા હોય છે. શહેરમાં
ચારેતરફ સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે, ત્યારે પોલીસની ત્રીજી
આંખમાં આવા વાહનચાલકો નજરે નહીં ચડતા હોય તેવો અણિયાળો સવાલ જાગૃત નાગરિકોને સતાવી
રહ્યો છે. જો કે, પોલીસ દ્વારા કેટલાક કિસ્સામાં ઇ-મેમા મોકલવામાં
આવે છે, પરંતુ જોઈએ તેવી કડક કાર્યવાહી ન થવાથી વાહનચાલકો બેફામ
બન્યા છે.