ભુજ, તા. 24 : કાળમુખા ભૂકંપથી કચ્છની ધરતી ધણધણી ઊઠી અને એ ગોઝારી ધ્રુજારીએ અનેક પરિવારોને કદી ન પૂરી શકાય તેવી ખોટ પાડી દેતાં વહાલસોયા સ્વજનો છીનવી લીધા. વિનાશક આફતને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે ભૂકંપના દિવંગતોને અંજલિ આપવા તેમજ સ્વજનો ખોનાર પરિવારોને સધિયારો આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે કચ્છમાં આવ્યા હતા. ભુજ શહેરમાં ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનાં પરિસરમાં `સ્મૃતિવંદના' સમારોહને સંબોધન પહેલાં મુખ્ય પ્રધાને ભૂકંપના દિવંગતોનું પુણ્ય સ્મરણ કરી, અંજલિ આપી હતી. પોતાના સ્વજનો ગુમાવવાનો આઘાત અકથ્ય હોય છે, પરંતુ વિનાશમાંથી વિકાસનો માર્ગ કાઢનાર કચ્છના ખમીરવંતા પરિવારો મક્કમ મનોબળ સાથે આગળ વધ્યા છે, તે જોઇને ગૌરવ થાય છે તેવું ભૂપેન્દ્રભાઇએ ભૂકંપપીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું. કેમ છો બધા ! કુદરતે જે કર્યું એ રોકી નથી શકાતું. ભૂકંપનું દુ:ખ અપાર છે પણ આપ સૌ હિંમતથી આગળ વધી રહ્યા છો એ ગૌરવની બીના છે એમ ભૂપેન્દ્રભાઇએ ઉમેર્યું હતું. મિયાવાકી વન ચેકડેમ પરિસર સ્થિત સ્મૃતિવન મેમોરિયલમાં ભૂકંપ દિવંગતોના પરિવારોને રૂબરૂ મળીને મુખ્યમંત્રીએ આજે સૌ કેમ છો ? બધું સુખરૂપ છે ને... તેવું કહીને ખબર-અંતર પૂછ્યા હતા.સરકાર તરફથી સહકારનો સધિયારો આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવારો સાથે સમૂહ તસવીર પણ ખેંચાવી હતી. લોકવત્સલ મુખ્યમંત્રીની ભાવભીની થઇ ગયેલી આંખોમાં વહાલસોયા ખોનારા કુટુંબો પ્રત્યે સંવેદના કળી શકાતી હતી. સ્મૃતિવન મેમોરિયલ પરિસરમાં રચાયેલા ભાવનાસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી જાણે ખુદ ભૂકંપપીડિત પરિવારોના સ્વજન બની ગયા હતા. લાખેણી લોકકલા સાથે કચ્છી કલાકારોએ મુખ્યમંત્રીને માનભેર આવકાર્યા હતા. છલડે આઇ રૂલાઇ, મુંકે યાદ સજણજી આઇ... લોકગીતની ધૂન વગાડતાં અમજદ નૂરમામદ સોઢાએ જોડિયા પાવા અને નઝરભાઇ ઇસાણીએ ઘડા-ઘમેલાથી સુરીલી સંગત કરી, ભૂકંપ દિવંગતોની સંગીતમય સ્મૃતિવંદના કરી હતી. ભૂકંપ દિવંગતોના આત્માને આનંદ થાય, તેની કાળજી લેતાં વિનાશને વિસરી વિકાસના પંથે સતત દોડતા રહેવાનું આહ્વાન મુખ્યમંત્રીએ કર્યું હતું. બેટરીકારમાં અંજાર ડેમ પર ગયા હતા. ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યોએ રાહુલભાઇ ગોર અને રાઘવભાઇનાં માર્ગદર્શન હેઠળ ત્રણ હજાર દીવડાથી ડેમને શણગાર્યો હતો. મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં દીવડો પ્રગટાવીને ભૂકંપમાં જીવન ખોનારા 12 હજારથી વધુ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમવાર સ્મૃતિવનના અંદરના ભાગમાં આવેલા શ્રી પટેલે મિયાવાકી વન અને પ્રકૃતિ સાથે એકરૂપ વાતાવરણ નિહાળીને પ્રશંસા કરી હતી.સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, ટ્રસ્ટીઓ પ્રણવ અદાણી, સંજય એન્કરવાલા, અતુલ એન્કરવાલા અને દીપક માંકડે સત્કાર કર્યે હતા. સ્મૃતિવનના વડા મનોજકુમાર પાંડેએ શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.