• ગુરુવાર, 02 મે, 2024

ગાંધીધામમાં કથીરમાંથી કંચન બનાવવાનો પ્રયાસ

ગાંધીધામ, તા. 18 : દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ગાંધીધામમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે ઈન્દોરની એજન્સીની નિમણૂક કરાઇ હતી. સંસ્થા દ્વારા રસોડામાંથી એકત્ર કરાયેલા ભીના કચરામાંથી કંડલા ખાતે ખાતર બનાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.ગાંધીધામમાં કથીરમાંથી કંચન બનાવવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જોડિયાનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે ઈન્દોરની એજન્સીની નિમણૂક કરાઇ હતી. સંસ્થા દ્વારા પાછલા ડિસેમ્બર મહિનાથી જુદાં જુદાં સ્થળોએ કાર્યક્રમો યોજી જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એજન્સીએ હવે એક પગલું આગળ ભરીને રસોડામાંથી એકઠા કરવામાં આવેલા ભીના કચરામાંથી ખાતર બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો છે. કંડલા ખાતે સંસ્થાના કર્મચારીઓ તેમજ સી.આઇ.એસ.એફ.ની મદદથી પ્રયોગ હાથ ધર્યો હતો. ખાતર તૈયાર કરાયા બાદ તેનો ડીપીએ હસ્તકના બગીચા તેમજ અન્ય સ્થળોએ ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. કામગીરીમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના સી.એસ.આર. વિભાગના મોનીટરિંગ સેલના અધિકારી જયશ્રી મહેશ્વરી તેમજ મગનભાઈ મહેશ્વરી, સી.આઇ.એસ.એફ.ના ઇન્સ્પેકટર શૈલેન્દ્રભાઈ, સંસ્થાના દિલસાદ ખાન તથા કંડલાના સફાઈ કર્મચારીઓએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્દોરની તર્જ પર ગાંધીધામ, આદિપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા સર્વેક્ષણ માટે ઈન્દોરની એજન્સીની નિમણૂક કરાઈ છે. સંસ્થા દ્વારા જુદાં જુદાં સ્થળોએ કાર્યક્રમો યોજી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરાઇ રહ્યા છે, પરંતુ ડોર ટુ ડોર કચરા કલેક્શન તેમજ નિયમિત સફાઈ મુદ્દે ગંભીરતા દાખવવામાં આવતાં પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang