• ગુરુવાર, 02 મે, 2024

મોદી લાલન કોલેજથી પહોંચ્યા લાલ કિલ્લા, ને વિનોદ ચાવડા દિલ્હી

ભુજ, તા. 18 : અનુસૂચિત જાતિની બહોળી વસતીને લીધે કચ્છની બેઠક અનામત કેટેગરીમાં આવી અને પૂનમબેન જાટ ભાજપના પ્રથમ મહિલા પ્રતિનિધિ તરીકે સંસદમાં પહોંચ્યાં. યુપીએ શાસનની બીજી મુદ્દત હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિક્રમી શાસન કર્યા પછી નરેન્દ્ર મોદી નેતા તરીકે કેન્દ્રમાં દસ્તક દઇ રહ્યા હતા. પ્રખર વક્તા અને આક્રમક નેતૃત્વ મોદીની પહેચાન બની હતી. અત્યારના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભાજપના પ્રમુખ. તેમણે મોદીને પી.એમ. પદનો ચહેરો ઘોષિત કર્યા. એનડીએ અને ભાજપમાં પણ?તેના પ્રત્યાઘાત પડયા. 2014ની 16મી લોકસભા ચૂંટણીમાં મોદીએ પોતાની રણનીતિથી પ્રચારનો મોરચો સંભાળ્યો. પહેલાં મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં 15મી ઓગસ્ટના અંતિમ ધ્વજવંદન કાર્યક્રમ રાજ્ય કક્ષાનો ભુજની લાલન કોલેજનાં મેદાનમાં યોજાયો. મોદીએ લાલન કોલેજ મેદાનથી લાલ કિલ્લા પર ઊભેલા ડો. મનમોહનસિંહને પડકાર ફેંક્યો... હું આવું છું... અને ચૂંટણી યોજાતાં ગુજરાતમાં ઉત્સાહભેર 65 ટકા મતદાન થયું. કચ્છ-મોરબી બેઠક પર 61 ટકા મતદારોએ લોકશાહીનાં પર્વમાં ભાગ લીધો. ભાજપે કચ્છની બેઠક પર યુવા ચહેરા તરીકે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને વ્યવસાયે વકીલ-શિક્ષક એવા વિનોદ ચાવડાને અજમાવ્યા... મતદારોએ 1962 પછીનો સૌથી ઊંચો આંક નોંધાવ્યો. ભાજપે કચ્છમાં વિક્રમી છઠ્ઠી જીત નોંધાવી. વિનોદ ચાવડાએ 2.54 લાખ મતની સરસાઇનો નવો વિક્રમ રચ્યો. ચૂંટણીના અતિતને ઉખેડીએ તો તે વખતે લોકસભાની સાથે અબડાસા અને રાપર વિધાનસભાની પેટા ચૂંટણી પણ હતી. અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય છબીલદાસ પટેલે રાજીનામું આપી ભાજપનો હાથ ઝાલ્યો હતો અને રાપરના ચૂંટાયેલા વાઘજીભાઈ પટેલ હૃદયરોગના હુમલામાં અવસાન પામ્યા હતા, તેથી બંને બેઠક ખાલી પડી હતી. કચ્છ જિલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન અને એડવોકેટ શિક્ષક એવા વિનોદભાઈ લખમશી ચાવડાને ભાજપે પૂનમબેન જાટનાં સ્થાને લોકસભાની ટિકિટ આપી, તો કોંગ્રેસ પક્ષે કચ્છ છોડી જામનગરના પીઢ કોંગ્રેસી અગ્રણી અને રાજ્યના આરોગ્ય મંત્રી રહી ચૂકેલા ડો. દિનેશભાઈ પરમાર પર વિજયની ભૂખ ભાંગવાનો મદાર રાખ્યો હતો. પેટા ચૂંટણીઓમાં અબડાસામાં છબીલ પટેલ સામે રાષ્ટ્રીય પ્રવક્તા શક્તાસિંહ ગોહિલ અને રાપરમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ પંકજભાઈ મહેતા સામે જૂના જોગી બાબુભાઈ મેઘજી શાહનો મુકાબલો હતો. ચૂંટણીનો નિર્ણય કચ્છ-મોરબીના મળીને 12,58,359 મતદારે કરવાનો હતો, જેમાં 6,62,865 પુરુષ અને 5,95,494 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી એવી હતી કે, જેમાં ઉમેદવારને ખર્ચની મર્યાદા વધારી આપવામાં આવી હતી. લોકસભા લડનારાને 70 લાખ સુધીના ખર્ચની છૂટ હતી.  16મી મેના કચ્છ-મોરબીના મળીને કુલ પડેલા 9,38,555 મતની ગણતરી શરૂ થઈ હતી અને જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ એક પછી એક વિક્રમો નોંધાતા ગયા હતા. જેમ વિક્રમી મતદાન થયું હતું તેમ પરિણામ પણ ભાજપની સતત છઠ્ઠી વખત તરફેણમાં આવ્યું હતું અને ભાજપના વિનોદ ચાવડાએ 2,54,482 મતની વિક્રમી સરસાઈથી ઝળહળતો વિજય મેળવ્યો હતો. કચ્છ લોક્સભાના ઈતિહાસમાં સૌથી મોટી સરસાઈ હતી. પહેલા રાઉન્ડમાં 83 મતની સરસાઇથી વછૂટેલો ભાજપનો અશ્વ પછી હાંફયો નહીં અને જેકપોટ લાવ્યો હતો. વિધાનસભામાં પણ વિક્રમ નોંધાયો હતો, જિલ્લા પ્રમુખ ચૂંટણી જીતતા નથી તેવી વાયકાને રાપરમાં પંકજ મહેતાએ વિક્રમી 15,037 મતની સરસાઈ લઈને ભાંગી હતી. અબડાસા પક્ષપલટુ છબીલભાઈને પારખી ગયું હોય તેમ શક્તાસિંહ ગોહિલના રૂપમાં મતદારો કોંગ્રેસ સાથે રહેતા ભાજપના છબીલ પટેલનો અંતે 764 મતે પરાજ્ય થયો હતો. ઉલ્લેખનીય ઘટનાની પણ નોંધ લેવી રહી કે, પેટા ચૂંટણી દરમ્યાન પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સાથેના છબીલ પટેલના સંબંધો વધુ કડવા બન્યા હતા અને એથી અંતે ચાલતી ટ્રેને જયંતીભાઈ ભાનુશાળીની હત્યા કરાવી દેવામાં આવી હતી.  ચૂંટણીના રાષ્ટ્રીય પરિણામો તમામ રાજકીય સમીક્ષકો, ટીવી ચેનલોના સર્વે ખોટા પાડયા હતા. યુ.પી.. સરકારના 10 વર્ષના શાસનમાં વીતેલા પાંચ વર્ષ દરમ્યાનના આર્થિક કૌભાંડોના પૂરમાં આખી સરકાર તણાઈ ગઈ હતી અને 282 બેઠક સાથે નરેન્દ્ર દામોદરદાસ મોદીના નેતૃત્વ તળે ભાજપ એકલપંડે બહુમતી અને સાથી પક્ષો મળીને કુલ 337 બેઠક સાથે વિજયી થયો હતો. ચૂંટણી એટલા માટે પણ ઉલ્લેખનીય રહી હતી કે, 1984 બાદ પહેલીવાર કોઈ એક પક્ષને પૂર્ણ બહુમતી મળી હતી. ગુજરાત, રાજસ્થાન, દિલ્હીની તમામે તમામ બેઠકો ભાજપે દાદાગીરીપૂર્વક કે ધાક બેસાડીને જીતી હતી અને સૌથી આંચકાજનક સ્થિતિ કોંગ્રેસની રહી હતી. દેશનો સૌથી જૂનો રાષ્ટ્રીય સ્તરનો રાજકીય પક્ષ માત્ર 44 બેઠકમાં સમેટાઈ ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang