મુંબઈ, તા. 13 : અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ના
ડિરેક્ટર પ્રણવ અદાણીના હસ્તે સોમવારે માટુંગાની
22-એકરની રેલવે સાઇટ ખાતે ખાતમુહૂર્ત
સાથે એશિયાની સૌથી મોટી વસાહતોમાંની એક અને દસ લાખથી વધુ રહેવાસીઓનું ઘર ગણાતી ધારાવીના
પુનર્વસન માટે નિર્માણનો આરંભ થયો છે. આ પ્રકલ્પ માટે રચાયેલા સ્પેશિયલ પર્પઝ વેહીકલ
`અદાણી નવભારત ડેવલપર્સ પ્રા. લિ.' પાત્ર રહેવાસીઓને હાલના સ્થળે જ પુનર્વસન યોજના
હેઠળ 350 ચોરસફૂટના ઘરો મળે તે સુનિશ્ચિત
કરશે. આ પ્રસંગે પ્રણવ અદાણીએ કહ્યું હતું કે, દરેક પરિવાર પોતે સુરક્ષિત હોવાની અનુભૂતિ કરે અને ભવિષ્યનું આયોજન કરી શકે
એવા ઘરનો હકદાર છે. ધારાવીના પરિવારો માટે આ બાબત કેટલી મહત્ત્વની છે તે અમે સમજીએ
છીએ. તેમણે આ વિષે માહિતી આપતાં કહ્યું હતું કે, `માટુંગા ખાતે અમે 10 ટાવર્સ બનાવી રહ્યા છીએ જેમાં
10,432 ઘરો અને 1,379 વ્યાવસાયિક તથા ઔદ્યોગિક એકમો
હશે. અમે એવા રહેણાક વિસ્તારોનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં પરિવારો વધુ સારું જીવન
જીવી શકે અને તેમનાં બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.' આ પ્રકલ્પમાં યુએસ-સ્થિત ડિઝાઇન ફર્મ `સસાકી',
યુકે-સ્થિત એન્જિનીયારિંગ કન્સલ્ટન્સી `બ્યૂરો હેપોલ્ડ', મુંબઈની સ્ટુડિયોપીઓડી, જાણીતા આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર,
P&Tઅને ARC સ્ટુડિયો તેમજ સિંગાપોરના
શહેરી આયોજન નિષ્ણાતોની કુશળતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 10 ટાવર મહારાષ્ટ્ર સરકાર હેઠળના `ધારાવી પુનર્વિકાસ પ્રોજેકટ/ઝૂંપડપટ્ટી
પુનર્વસન સત્તામંડળ'ને પ્રથમ પાંચ
ટાવર માર્ચ 2029 સુધીમાં, ત્યારપછીના બે ટાવર ઓગસ્ટ 2029 સુધીમાં અને બાકીના ત્રણ ટાવર
ઓગસ્ટ 2030 સુધીમાં એમ ત્રણ તબક્કામાં
સોંપવામાં આવશે. આ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે
મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અસીમકુમાર ગુપ્તા ઉપસ્થિત
રહ્યા હતા. DRP/SRA ના મુખ્ય કાર્યકારી અધિકારી
અને સી.ઇ.ઓ. ડો. મહેન્દ્ર કલ્યાણકર પણ હાજર રહ્યા હતા. ડો. કલ્યાણકરે કહ્યું હતું કે, ધારાવીના પરિવારો માટે આ એક મહત્ત્વનું પગલું છે. અમારું ધ્યાન જીવનની બહેતર ગુણવત્તા માટે
જરૂરી માળખાગત સુવિધાઓ ઉપરાંત અન્ય સગવડો ઉપ્લબ્ધ બનાવવા ઉપર છે, જેમાં દરેક ટાવરમાં 37થી 39 માળ, 10થી 12 પેસેન્જર લિફ્ટ અને બે સમર્પિત
ફાયર લિફ્ટ તેમજ વ્યાપારી અને ઔદ્યોગિક એકમો માટે વધારાની બે લિફ્ટની વ્યવસ્થા હશે.
સુવિધાઓમાં કિન્ડરગાર્ટન, કોમ્યુનિટી
હોલ, પોડિયમ ગાર્ડન્સ, બેસવાની જગ્યાઓ,
સોસાયટીની ઓફિસ અને પૂજાનાં સ્થળોનો સમાવેશ થશે. મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતી નિમિત્તે ગાંધી
જયંતી પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર
ફડણવીસ દ્વારા ધારાવી એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ઘાટન બાદ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
કંપનીના સી.ઇ.ઓ. અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે,
બાંધકામના આરંભ સાથે અમારું ધ્યાન સમયસર નિર્માણ પૂર્ણ કરવા અને લાંબા
ગાળાની જાળવણી પર છે.