દુબઈ, તા. 13 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ
દ્વારા સપ્ટેમ્બર મહિનાના શ્રેષ્ઠ ખેલાડીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો
છે. પુરુષ અને મહિલા બન્ને વર્ગમાં ભારતે બાજી મારી છે. પુરુષ વર્ગમાં ભારતીય સુકાની
શુભમન ગિલ અને મહિલા વર્ગમાં શેફાલી વર્મા `પ્લેયર ઓફ ધ મન્થ' તરીકે પસંદગી પામી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં રનનો ઢગલો કરનાર
શુભમન ગિલની કારકિર્દીનો આ પાંચમો મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ છે. અગાઉ તે જાન્યુઆરી
2023, સપ્ટેમ્બર 2023, ફેબ્રુઆરી 2025 અને જુલાઈ 2025માં આ પુરસ્કાર જીતી ચૂક્યો
છે. આ સાથે તેણે પુરુષ ક્રિકેટમાં સર્વાધિક વખત આ એવોર્ડ જીતવાના પોતાના જ વૈશ્વિક
કીર્તિમાનને વધુ મજબૂત બનાવ્યો છે. મહિલા ક્રિકેટમાં ઓપનર શેફાલી વર્માએ કારકિર્દીમાં
બીજી વખત આ એવોર્ડ પોતાનાં નામે કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં શેફાલીએ શાનદાર ફોર્મ
દાખવતા બેટ વડે 360 રન ફટકાર્યા
હતા અને બાલિંગમાં 6 મહત્ત્વની
વિકેટો પણ ઝડપી હતી. તે મહિલા એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી હતી. તદુપરાંત, એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે
અણનમ 100 રનની શાનદાર સદી અને ફાઇનલમાં
શ્રીલંકા સામે 48 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી
તેણે ભારતની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.