પેપર લીક મુદ્દે રાજકીય
ગરમી : સંસદ પરિષદમાં દેખાવો : રાહુલે પ્રધાનનું રાજીનામું - મોદીની માફીની માંગ કરી
: સંસદ ત્રીજા દિવસે ઠપ : નવી દિલ્હી, તા. 22 : નીટ પેપર
લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં છાત્રો ઉપર લાઠીચાર્જના મુદ્દે મંગળવારે સંસદથી વડાપ્રધાન
આવાસ સુધી ધમાલ અને નાટકીય ઘટનાક્રમો બાદ આજે કોંગ્રેસ સહિતના વિભિન્ન વિપક્ષો દ્વારા
શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માગણી સાથે સંસદ ભવનનાં પરિસરમાં મકર દ્વાર
પાસે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદનાં બન્ને ગૃહોમાં આજે પણ છાત્રોનાં મુદ્દે
ભારે હંગામો ચાલુ રહ્યો હતો. દિવસની કામગીરી સ્થગિત રાખી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ
પત્રકાર પરિષદ યોજીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, છાત્રો સાથે બર્બરતા કરનારાઓ સામે કાર્યવાહી
અને વડાપ્રધાન મોદી દેશની માફી માગે તેવી ત્રણ માગણીઓ મૂકી હતી. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત
થયા બાદ વિપક્ષના નેતાઓ મકર દ્વારે એકત્ર થયા હતા અને તેમના હાથમાં બેનર અને તક્તીઓ
હતી. ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માગણીની નારાબાજી સાથે સાંસદોએ આરોપ લગાવ્યો હતો
કે, છાત્રો સાથે અન્યાય અને અત્યાચારનું મૂળ કારણ પેપર લીક થવાની
ઘટનાઓ છે અને તેનાં કારણે શિક્ષામંત્રી જ આના માટે સંપૂર્ણ જવાબદાર બને છે. નૈતિક જવાબદારીનો
સ્વીકાર કરીને પ્રધાનને પદ ઉપરથી બરખાસ્ત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે
હુમલો બોલાવતાં કહ્યું હતું કે, છાત્રોને સુરક્ષાદળોએ ખરાબ રીતે
પીટયા હતા વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવા છતાં આવી
ક્રૂરતા આચરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષમાં 1પ2 પેપર ફૂટયાં છે અને આમાં 7.પ કરોડ પરિવારો ઉપર સીધી અસર થઈ હતી. છાત્રો
ફક્ત સિસ્ટમમાં સુધારો માગી રહ્યા છે અને તેમની માગણીઓ વાજબી છે. 152 પેપર લીકમાં કોઈને સજા થઈ નથી
અને યુવાનોમાં આ વ્યવસ્થા સામે આક્રોશ છે. સરકારે દેશમાં શિક્ષા વ્યવસ્થા જ નષ્ટ કરી
નાખી છે અને હવે છાત્રો પ્રત્યે સંવેદનશીલતાય નથી. - આંદોલન પર રાજનીતિ ખોટી : નડ્ડા
: રાહુલના આરોપના જવાબમાં આરોગ્યમંત્રીનો સવાલ : કોંગ્રેસ સરકારોમાં પેપર લીક સામે
કેમ મૌન ? : નવી દિલ્હી, તા. 22: દેશના આરોગ્ય
મંત્રી જે. પી. નડ્ડાએ બુધવારે પત્રકાર પરિષદ યોજી રાહુલ ગાંધીના આરોપોના વળતા જવાબ
આપતાં સવાલ કર્યો હતો કે, કોંગ્રેસની
સરકારોમાં પેપર લીક થયા છે, ત્યારે કેમ રાહુલે સવાલ નથી ઊઠાવ્યા.
રાહુલ આ મામલામાં માત્ર ભાજપશાસિત સરકારોને જ કેમ નિશાને લે છે, તેવો પ્રશ્ન પણ નડ્ડાએ કર્યો હતો. રાહુલ ગાંધી છાત્રોના મુદ્દા પર રાજકીય રોટલા
શેકી રહ્યા છે, તેવા પ્રહારો પણ ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી
નડ્ડાએ કર્યા હતા. પેપર લીકના મુદ્દા પર મોદી સરકારના મંત્રીએ કહ્યું હતું કે,
છાત્રોની માંગ અને તેમણે ઊઠાવેલો પેપર લીકનો મુદ્દો ગંભીર છે. સૌથી પહેલાં
મારી અપીલ છે કે, આ મુદ્દાને રાજકીય રંગ લગાડવો ન જોઈએ. સાથે
તેમાંથી રાજકીય લાભ લેવાની કોશિશ પણ ન થવી જોઈએ. રાહુલ પર પલટવાર કરતાં નડ્ડાએ જણાવ્યું
હતું કે, ઝારખંડ અને તેલંગાણામાં પણ પેપર લીકની ઘટનાઓ બની છે.
પેપર લીક ગંભીર મુદ્દો છે. ગહન ચર્ચા તેમજ ઊંડી તપાસનો વિષય છે, પરંતુ તેના પર રાજનીતિ સ્વીકાર્ય નથી, તેવું તેમણે જણાવ્યું
હતું.