• શનિવાર, 12 જુલાઈ, 2025

પુલ દુર્ઘટનામાં ચાર અધિકારી ફરજમોકૂફ

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી)  : વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. જે અન્વયે  નિષ્ણાંતોની એક ટીમને પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, નિરીક્ષણ ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.  દરમ્યાન, આજે વધુ ત્રણ મૃતદેહો મળી આવતાં મરણાંક વધીને 17 થઈ ગયો છે. નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલ તથા મદદનીશ ઇજનેર જે.વી.શાહને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.    આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. ગઈકાલે બચાવ ટીમે શોધખોળ હાથ ધરતા 13 મૃતદેહ મળ્યા હતા, જ્યારે આજે શોધખોળ કરવામાં આવતા વધુ ચાર મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુન: તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.  

Panchang

dd