નવી દિલ્હી, તા. 10 : દેશમાં હોસ્પિટલો
દ્વારા વીમા કવચ ધરાવતા દર્દીઓને અપાતા મસમોટાં
બિલ અને બેહિસાબ ખર્ચા પર નિયત્રણ લાવવા હવે સરકાર હાલનું મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમ
પોર્ટલ્સને નાણા મંત્રાલય હેઠળ લાવવાની તૈયારી કરી રહી હોવાનું ગ્લોબલ મેડિકલ ટ્રેન્ડ
રેટ્સના હેવાલમાં જાણવા મળી રહ્યું છે. એક મીડિયા હેવાલ મુજબ, હેવાલમાં કરાયેલા દાવામાં કહેવાયું છે કે,
2025માં ભારતમાં સ્વાસ્થ્ય સેવાના
ખર્ચમાં 13 ટકાનો વધારો થવાનું અનુમાન
છે, જે વૈશ્વિક સરેરાશથી 10 ટકા વધુ છે. સરકાર એ બાબત પર
પણ યોજના બનાવવા માગે છે કે, ઈરડા
સ્વાસ્થ્ય પ્રદાતાઓ પર નજર રાખે, જેથી દર્દીઓ પર આર્થિક બોજો
ન વધે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે હેલ્થ ક્લેઈમ
એક્સચેન્જ દ્વારા કડક રીતે વીમા કંપનીઓના સારવાર દર નિર્ધારિત કરવા સુધારા થઈ શકે. સરકાર અને ઈરડા દ્વારા કરાયેલા એક વિશ્લેષણમાં બહાર
આવ્યું હતું કે, હોસ્પિટલો દર્દીઓની સારવારના ખર્ચમાં વધારો કરી
રહી છે અને ઊંચા વીમા કવચ ધરાવતા દર્દીઓ પાસેથી વધુ નાણાં વસૂલે છે. સૂત્રોએ જણાવ્યું
હતું કે, હોસ્પિટલોની આવી નીતિના કારણે વીમા કંપનીઓ વધુ પ્રીમિયમ
વસૂલી રહી છે. નોંધનીય છે કે, ઈરડા વીમા કંપનીઓનું નિયમન કરે
છે, નહીં કે હેલ્થ એક્સચેન્જનું. ઉદ્યોગના આંકડાઓ અનુસાર, સ્વાસ્થ્ય
વીમા પ્રીમિયમની વાર્ષિક આવક વૃદ્ધિ વર્ષ પહેલાના 20 ટકાથી ઘટીને વર્ષ 2024-25માં માત્ર નવ ટકા રહી ગઈ છે.
જેના પાછળનું કારણ મોંઘા પ્રીમિયમનું ભારણ ઘણા લોકોની ક્ષમતાથી વધુ છે. તેથી મેડિકલ
પોલિસીમાં નવીનીકરણ ઓછા પ્રમાણમાં થાય છે.