મુંબઈ, તા. 20 : અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર
સ્થિર રાખીને ભવિષ્યમાં વ્યાજદર ઘટશે તેવો નિર્દેશ આપતાં વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક
બજારમાં તેજીનો થનગનાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 899.01 પોઈન્ટ (1.19 ટકા) વધીને
76,348.06 પોઈન્ટ ઉપર અને નિફ્ટી 283.05 પોઈન્ટ (1.24 ટકા) વધીને 23,190.65 પોઈન્ટ ઉપર બંધ રહ્યા હતા.
અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદર સ્થિર રાખીને 2025માં બે વખત વ્યાજદર ઘટવાની સંભાવના વ્યક્ત કરતા વૈશ્વિક બજારોમાં
એકંદરે મજબૂત વલણ હતું. તેની પાછળ હેવીવેઈટ શેરોમાં ગુણવત્તાયુક્ત ખરીદી નીકળતાં બજારનું
સેન્ટિમેન્ટ સતત ચોથાં સત્રમાં સુધર્યું હતું. સેન્સેક્સમાં ભારતી એરટેલ, ટાઈટન, ટીસીએસ,
હિન્દ યુનિલિવર, ઈન્ફોસિસ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને એચડીએફસી
બેન્ક સૌથી અધિક વધ્યા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ
અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર્સ ઘટયા હતા. નિફ્ટીમાં ભારતી એરટેલ, ટાઈટન, બજાજ ઓટો, બીપીસીએલ,
બ્રિટાનિયાના ભાવ વધ્યા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ટ્રેન્ટ અને શ્રીરામ ફાઈનાન્સના શેર્સ
ઘટયા હતા.