• ગુરુવાર, 02 મે, 2024

દરેક બાબતમાં શંકા ન કરી શકાય

નવી દિલ્હી, તા. 18 : ચૂંટણી દરમિયાન ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) દ્વારા પડેલા મતો સાથે વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) સ્લિપને મેચ કરવાના નિર્દેશોની માંગ કરતી અરજીઓ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ પક્ષકારોની દલીલો સાથે સુનાવણી પૂર્ણ થયા બાદ ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન  જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, દરેક બાબત પર શંકા કરી શકાય નહીં અને અરજીકર્તાઓએ ઇવીએમના દરેક પાસાંઓ વિશે ટીકા કરવાની જરૂર નથી. સુપ્રીમે કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા હોય છે. જરૂરી પગલાં લેવા જોઇતા હતા તે લેવામાં આવ્યાં હોવાની કોઇને આશંકા હોવી જોઇએ નહીં. અરજદારના વકીલ નિઝામ પાશાએ બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, એવી જોગવાઇ હોવી જોઇએ કે મતદાતા પોતે મતપેટીમાં પોતાની વીવીપેટ સ્લિપ દાખલ કરે. જસ્ટિસ ખન્નાએ પ્રશ્ન કર્યો હતો કે, શું આનાથી મતદાતાના ગોપનીયતાના અધિકારને અસર નહીં થાય. તેના પર વકીલ નિઝામ પાશાએ દલીલ કરી હતી કે, મતદારનો મત આપવાનો અધિકાર તેની ગોપનીયતા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. અન્ય અરજીકર્તાના વકીલ સંજય હેગડેએ કહ્યું કે, જો તમામ સ્લિપ મેચ?થાય તો ચૂંટણીપંચ કહી રહ્યું છે કે, મત ગણતરીમાં 12-13 દિવસનો સમય લાગશે. દલીલ ખોટી છે. એડીઆરના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, વીવીપેટ મશીનની લાઇટ 7 સેકન્ડ સુધી બળે છે, જો તે લાઇટ આખો સમય ચાલુ રહે તો મતદાર આખું કાર્ય જોઇ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang