માનકૂવા, તા. 27 : સુખપર-માનકૂવા વચ્ચે `કેસરા અર્થ મૂવર્સ' પાસે આજે રાત્રે મહાકાય ટ્રેઇલર અને દ્વિચક્રી
વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે
સાથે સવારી કરનારને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ રાત્રિના 8.30 વાગ્યા આસપાસ ટ્રેઇલરે બાઇકને
હડફેટે લીધું હતું, જેમાં માનકૂવાના
બાવરવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણ મેરિયા (ઉ.વ. 22)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું
હતું જ્યારે ટ્રેઇલરચાલક નાસી છૂટયો હતો. પોલીસે આ અકસ્માત કરનારા ડ્રાઇવરને શોધવા
માનકૂવા પી.આઇ. શ્રી હેરમાની સૂચના મુજબ સામત્રા ટોલનાકે સીસીટીવીની તપાસ શરૂ કરી છે
જ્યારે શેખપીર ફાટક પાસે નાકાબંધી કરવામાં આવી છે. અકસ્માત સ્થળે હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ બાદમાં મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખાનગી
વાહન મારફતે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ સમયે લોકોએ આંખ આંજી નાખતી લાઇટો
સામે કાર્યવાહી કરાય તેવો સૂર વ્યક્ત કર્યો હતો.