• ગુરુવાર, 23 જુલાઈ, 2026

પૂર્વ કચ્છના ધોરીમાર્ગો બન્યા મોતના `માર્ગો'

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 21 : જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં કંડલા, તુણા જેવા દેશના સૌથી મોટાં બંદરો તથા પૂર્વ કચ્છમાં સેંકડો મહાકાય ઉદ્યોગો અને હજારો ટ્રાન્સપોર્ટ કંપનીઓ... પણ આ વિકાસની ચળકાટ પાછળ એક કાળી, લોહિયાળ હકીકત છુપાયેલી છે. અહીંના માર્ગો માર્ગ નથી રહ્યા, મોતની સડકો બની ગયા છે. અહીં દરરોજ હજારો ડમ્પરો, ટ્રેઈલર અને ટ્રકો માતેલા સાંઢની જેમ દોડે છે. દરરોજ અકસ્માત, માળા વિખેરાય અને કોઈ માતાનો ખોળો ખાલી થાય. પૂર્વ કચ્છનો વિસ્તાર આજે આર્થિક ધમધમાટનું કેન્દ્ર બન્યો છે. કંડલા-તુણા જેવા બંદરો, મહાકાય ઉદ્યોગોનાં કારણે દરરોજ હજારો ભારે વાહનો રસ્તા પર દોડી રહ્યાં છે, પરંતુ આર્થિક વિકાસની આ દોડ વચ્ચે સામસામે કાળમુખા અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે.  માતેલા સાંઢની જેમ બેફામ દોડતાં ઓવરલોડ વાહનોનાં કારણે અનેક પરિવારના વહાલસોયા સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોલીસ, આરટીઓના પોકળ દાવાઓ સિવાય જમીની સ્તરે કોઈ જ નક્કર કામગીરી ન દેખાતી હોવાનું જણાય છે. - તંત્રો માત્ર પ્રસાદી લેવામાં જ વ્યસ્ત ? : પૂર્વ કચ્છના માર્ગો હવે સ્મશાન સમાન બન્યા છે. રોજ લોહીના ધબ્બા છતાં તંત્રને  શરમ ન હોવાનો આક્રોશ લોકો ઠાલવી રહ્યા છે. પૂર્વ કચ્છમાં ટ્રાફિકના નામે અરાજકતા, માનવ જિંદગી સસ્તી અને હપ્તાખોરી મોંઘીના આક્ષેપ લોકો કરી રહ્યા છે, જેના શિરે વાહનવ્યવહાર અને ટ્રાફિક નિયંત્રણની જવાબદારી છે તે પોલીસ તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં સૂઈ ગયું છે. આ તંત્રનું કામ મોટા ટ્રાન્સપોર્ટરો અને ઓવરલોડ વાહનચાલકો પાસેથી માત્ર પ્રસાદી ઉઘરાવવા પૂરતું સીમિત રહી ગયું હોવાના આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. આવી પ્રસાદીનાં કારણે આવા વાહનચાલકોને કોઈનો ડર રહ્યો નથી અને બેફામ વાહનો હંકારાય છે. - ધોરીમાર્ગોની આસપાસ વેચાતા માદક પદાર્થોનાં કારણે અકસ્માતો ? : પૂર્વ કચ્છના ધોરીમાર્ગની આસપાસ આવેલી અમુક હાઇ-વે હોટેલોમાં પોષડેડાં, ગાંજો, દેશી-અંગ્રેજી દારૂ વગેરે નશા પીરસાય છે. લાંબી-લાંબી મુસાફરી કરીને  આવતા ટ્રક, ટેન્કર, ટ્રેઇલરચાલકો નશો કરીને ગાડી આગળ હંકાર્યે રાખે છે. નશામાં વાહનો ચલાવતા અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચૂક્યા છે. અનેક વાહનોના કન્ટેનરો પણ આડા-અવળાં વાહનો ઉપર લટકતા હોવાના પણ વીડિયો હાલમાં જાહેર થયા હતા. સૂત્રોનું માનીએ તો દર મહિને મોટા ટ્રાન્સપોર્ટરો પાસેથી નિયમિત પ્રસાદી બંધાઇ ગયા પછી ભલે ગાડીમાં 100 ટન ભરો કે ચાલક પીધેલો હોય કોઇ રોકનાર નથી. ટ્રાફિક નિયમન કરવાને બદલે કેટલાક કર્મીઓનું કામ ફક્ત ઉઘરાણી કરવાનું જ રહી ગયું છે, તેવો લોકોનો સીધો જ આક્ષેપ છે. - છેલ્લા છ મહિનામાં પૂર્વ કચ્છમાં 104થી વધુ માનવજીવન પૂર્ણ : પૂર્વ કચ્છના ધોરીમાર્ગો ઉપર બેફામ દોડતાં વાહનોનાં કારણે છેલ્લા છ મહિનામાં જ 104થી વધુ લોકોના જીવ ખપ્પરમાં હોમાયા છે. દરરોજ કોઇના પરિવારનો માળો વિખેરાય છે. લોકો ઘરના સભ્યો ગુમાવી રહ્યા છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની સંવેદના ખોઇ બેઠા હોય તેમ ચૂપચાપ તમાશો જોઇ રહ્યા હોવાના પણ આક્ષેપ છે. લોકોના લોહીથી ભીંજાયેલા રસ્તાઓ તંત્રને દેખાતા નથી ? ઓવરલોડ વાહનોને કઇ લિંકથી છૂટો દોર મળે છે ? બદલી છતાં ટ્રાફિક શાખામાં જ કેમ અમુક કર્મીઓને રસ જાગે છે તે સહિતના પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. - વધતા ટ્રાફિકને પગલે ધોરીમાર્ગો પહોળા કરવાની લોકોની માંગ : પૂર્વ કચ્છમાં દરરોજ હજારોની સંખ્યામાં તોતિંગ વાહનોની અવરજવર થાય છે, જેના કારણે માર્ગો હવે સાંકડા બન્યા છે. નાનો અકસ્માત સર્જાય છે ત્યારે અન્ય વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં નછૂટકે ફસાવવું પડે છે, ત્યારે પૂર્વ કચ્છના ધોરીમાર્ગોને હવે પહોળા કરવાની તાતી જરૂરિયાત હોવાનું લોકો જણાવી રહ્યા છે. - ધોરીમાર્ગો પર વાહનો પાર્ક કરવાની ના, છતાં ધોરીધરાર કરાય છે : ગાંધીધામના ધોરીમાર્ગ ઉપર વાહનો  પાર્ક કરવાની ના હોવા છતાં તોતિંગ વાહનોની કતારો ધોરીમાર્ગ ઉપર દરરોજ લોકોને નરી આંખે દેખાય છે, પરંતુ તંત્ર કઇ પટ્ટી પહેરે છે કે તેને આ બધું દેખાતું નથી તેવા પ્રશ્નો સામે આવ્યા છે. - પૂર્વ કચ્છમાં અનેક જીવલેણ બનાવમાં માનવજીવન પૂર્ણ : પૂર્વ કચ્છમાં સમયાંતરે ગોઝારા અકસ્માતો સર્જાય છે. ખેડોઇ નજીક આખું કન્ટેનર પડતાં દ્વિચક્રીય સવાર ત્રણ લોકોના કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અંજારની ભાગોળે નિંગાળના બે યુવાનનાં અકાળે મોત થયાં હતાં. સતાપર માર્ગ પર અકસ્માતમાં માતા-પુત્રનાં મોત, ગાંધીધામના ટાગોર રોડ ઉપર રોટરી સર્કલ નજીક બે યુવાનોના જીવ ખપ્પરમાં હોમાયા હતા. રતનાલ બાયપાસ નજીક, ભચાઉ, સામખિયાળી, આડેસર, દુધઇ વગેરે જગ્યાએ આવા અનેક ગોઝારા અકસ્માતોમાં લોકોના વહાલસોયા છીનવાયા છે. 

Panchang

dd