ગાંધીધામ, તા. 20 : કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા
કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં
આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં ચાહના ધરાવતા કલાકારનાં મોતને પગલે ભારે ગમગીની
પ્રસરી હતી. ગાંધીધામની પી.એન. અમરશી શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા લય
અંતાણી કચ્છમાં હાઉઝી કિંગ તરીકે નામના ધરાવતા હતા. કચ્છ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં
પણ કાર્યક્રમો કરનાર આ યુવાન અમદાવાદ ખાતે કાર્યક્રમ કરવા ગયા હોવાનું જાણવા મળ્યું
હતું, તે કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા
હતા, ત્યારે પડાણા નજીક ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ અંગે મળતી
વિગતો મુજબ અમદાવાદથી માળિયા સુધી આ કલાકાર કારમાં પાછળ બેઠા હતા અને બાદમાં આગળ આવીને
બેઠા હતા. આજે વહેલી પરોઢે સ્વીફ્ટ કાર નંબર જીજે-39-સીસી-7399 પડાણા પાસે પહોંચી હતી. દરમ્યાન
આગળ જતી બસના પાછળના ભાગે આ કાર ધડાકાભેર અથડાતાં કારમાં સવાર કલાકાર લય અંતાણીને માથામાં
ગંભીર ઈજાઓ પહેંચી હતી તેમજ ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું.
ઘવાયેલા યુવાનને સારવાર અર્થે જયદીપસિંહ જાડેજા લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને
તપાસીને મૃત જાહેર કર્યા હતા. હાઉઝી કિંગ તરીકે જાણીતા લય અંતાણીનાં મોતના સમાચાર વાયુવેગે
પ્રસરી ગયા હતા. લોકોમાં આઘાત સાથે ભારે ગમગીની પ્રસરી હતી. બનાવ અંગે ગાંધીધામ બી-ડિવિઝન
પોલીસે એમ.એલ.સી. નેંધી ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.