• બુધવાર, 03 જૂન, 2026

રણમાં ભારે પવન-વરસાદ વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુનું પોલીસે કર્યું દિલધડક રેસ્ક્યુ

ગાંધીધામ, તા. 2 : કચ્છના રણમાં આવેલા પવિત્ર પાછડા દાદાના દર્શનાર્થે બે ટ્રેક્ટરમાં સવાર થઇને 17 શ્રદ્ધાળુ પરત ફરતી વખતે રણમાં માર્ગ ભૂલી ગયા હતા. દરમ્યાન, અચાનક ત્રાટકેલા વાવાઝોડા, વરસાદના કારણે આ લોકોમાં રણમાં અટવાઇ ગયા હતા. જો કે, રણમાં પેટ્રોલિંગ કરી રહેલી આડેસર પોલીસની સતર્કતાના કારણે આ તમામ લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર બાજુના ઝીંઝુવાડાના બાવડાના ગામના એક જ પરિવારના 17 લોકો બે ટ્રેક્ટર લઇને રણમાં બિરાજતા વાછડા દાદાનાં દર્શનાર્થે ગઇકાલે સવારે નીકળ્યા હતા. શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અફાટ રણમાં રસ્તો ભૂલ્યા હતા. દરમ્યાન, કુદરતે પણ તેમની કસોટી લીધી હતી અને અચાનક ભારે પવન અને વરસાદના કારણે રણની માટી કાદવમાં ફેરવાઇ, ટ્રેક્ટરો આગળ વધી શક્યા નહોતા. ચારેય તરફ અંધારા અને અફાટ રણમાં અટવાઇ જતાં નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓનાં જીવ તાળવે ચોંટયા હતા. પવનના કારણે ખુલ્લા ટ્રેક્ટરમાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ ઠૂંઠવાઇ રહ્યા હતા. યુવાનો બહાર નીકળવા પ્રયત્નો કરી રહ્યા હતા. આ તમામ લોકો કાદવ-કીચડથી ભરાઇ ગયા હતા. તેમને કોઇ આશા દેખાઇ નહોતી. તેવામાં આડેસરની સ્થાનિક પોલીસ રણમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ ટીમને રણમાં ટ્રેક્ટરની લાઇટ તથા કાંઇક થતું દેખાતાં, અજૂગતું લાગતાં આ ટીમ ત્યાં દોડી ગઇ હતી. અને અટવાયેલા લોકોની પૂછપરછ કરતાં પોતે શ્રદ્ધાળુઓ હોવાનું અને રણમાં આખી રાતની રઝળપાટ બાદ અટવાઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તરત સતર્કતા વાપરીને તેમના બંને ટ્રેક્ટર કાદવમાંથી બહાર કઢાવ્યા હતા. ઠંડીના કારણે ઠૂંઠવાઇ રહેલા માસુમ બાળકોને તરત ધાબડા અપાયા હતા. કલાકોની મહેનત બાદ વાહનો બહાર કઢાવી આ તમામ લોકોને આડેસર પોલીસ મથકે લઇ જવાયા હતા. તમામનું રેસ્ક્યુ કરી પોલીસ મથકે લઇ જવાયા બાદ ભૂખા, તરસ્યા અને ડરેલા આ લોકોને શાંત કરી પોલીસે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી એમ પી.આઇ. જે. બી. આચાર્યએ જણાવ્યું હતું. આખી રાત વાહનોથી રણમાં રઝળપાટ કરતા તેમના બંને ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી ગયું હતું. જે બંને વાહનમાં પોલીસે ઇંધણ પુરાવી આપ્યું હતું. જીવના જોખમે ફસાયેલા શ્રદ્ધાળુઓ અને તેમના પરિવારજનોએ આડેસર પોલીસનો આભાર માનતાં ભીની આંખે જણાવ્યું હતું કે, જો આજે પોલીસ દેવદૂત બનીને ન આવી હોત તો રણમાં અમારું શું થાત એ કલ્પના કરવી પણ ધ્રુજાવી દે તેવી છે. મુશ્કેલીના સમયે પોલીસે દાખવેલી તત્પરતા અને સંવેદનશીલતા એ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. 

Panchang

dd