અમદાવાદ, તા. 16 : ગાંધીધામના સેક્ટર-1માં ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં છેલ્લા 30 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુ:ખ દર્દ જોવાનું, માલિશનું કામ કરતી ભૂઇની ધતિંગલીલા,
કપટલીલાનો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી પર્દાફાશ કર્યો
હતો. ભૂઇએ કબૂલાતનામું આપી માફી માગી લોકોએ દોરાધાગા જોવડાવવા આવવું નહીં તેવી જાહેરાત
કરી હતી. ગાંધીધામના ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં જ્યોત્સનાબેન મોહન રાજપૂત નામની મહિલા
દોરાધાગા, મહિલાઓનું શોષણ, ભૂવા ભવન કરશન
જાદવની વિકૃત હરકતો સહિતની ફરિયાદ, રજૂઆત આ બંનેનો ભોગ બનેલ એક
મહિલાએ જાથાને આપી હતી. જાથાએ પોતાની બે મહિલા
કાર્યકર્તાને અહીં મોકલાવી ખરાઇ કરી હતી. હકીકત બહાર આવ્યા બાદ જાથાના જયંતભાઇ પંડયાએ
મુખ્યમંત્રી, ગૃહ સચિવ, પૂર્વ કચ્છ પોલીસવડાને
રજૂઆત કરી પોલીસ બંદોબસ્ત માગ્યો હતો. દરમ્યાન બી-ડિવિઝનના એક ફોજદાર સહિત 11 પોલીસકર્મીઓ ફાળવાયા હતા. દરમ્યાન
પોલીસ બંદોબસ્ત સાથે ભારત જનવિજ્ઞાન જાથાની ટીમ આ મહિલાનાં ઘરે પહોંચી હતી. જ્યાં આ
મહિલાને પૂછપરછ કરાતાં પરિસ્થિતિ પામી જતાં મહિલાએ માફી માગી હતી. જાથાના જયંતભાઇએ
ગુના સંબંધિત વાત કરી હતી. ભ્રમ ફેલાવવું, પરવાના ડિગ્રી વગર દુ:ખાવા મટાવવા, માનસિક ઇજા કરવી,
માતાજીનો પ્રકોપ બતાવવો ગુનો બને છે. દરમ્યાન આ ભૂઇએ કબૂલાતનામું આપી
જાહેરમાં માફી માગી પોતાની પાસે કોઇપણ પ્રકારના દર્દ મટાડવા ન આવવા જાહેરાત કરી હતી.
જાથાની ટીમ ભચાઉ ખાતે ભવન જાદવના ઘરે પહોંચતાં તે ફરાર થઇ ગયો હતો. ભારત જનવિજ્ઞાન
જાથાએ 1269મો સફળ પર્દાફાશ કર્યો હતો.
જાથાના ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહીલ,
રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહીલ, રવિ પરબતાણી વગેરે આ કાર્યવાહીમાં જોડાયા
હતા.