હજી થોડા સમય પહેલાં જ ભારત સાથેની સરહદી તંગદિલી હળવી કરવાનાં
પગલાં લેનાર ચીને ફરીવાર પોતાનું પોત પ્રકાશ્યું છે. એક તરફ પાકિસ્તાનના આતંકવાદી ઈરાદાઓને
છાવરવામાં કોઈ પાછીપાની ન કરતાં ચીને ગયા મહિને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોનાં નામો બદલીને આ વિસ્તારો
પરના પોતાના દાવાને વધુ એક વખત આગળ ધર્યો છે. આખી દુનિયા જાણે છે કે, ચીન ભારતીય જમીન પર પોતાનો દાવો કરવા સતત કારસા
કરતું રહે છે. અરુણાચલ પ્રદેશને તે હંમેશાં પોતાનો હિસ્સો ગણે છે. આવા વધુ એક કારસામાં
તેણે આ ભારતીય રાજ્યના અમુક વિસ્તારો અને ગામોને પોતાની મુનસફી મુજબનાં નામો આપતી વધુ
એક યાદી જાહેર કરીને વિવાદને વધુ એક ગંભીર પરિમાણ આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતના વિસ્તારો
પર પોતાનો કબજો કે દાવો કરવા સતત મથતા રહેતા ચીને ભૂતકાળામાં ભારતીય સીમાની અંદર પોતાના
સૈનિકો પણ મોકલ્યા હતા. લગભગ પાંચ વર્ષ અગાઉ ગલવાનની ખીણમાં ઘૂસેલા ચીની દળો સાથે ભારતીય
જવાનોનો લોહિયાળ સંઘર્ષ થયો હતો. તે સમયે 2017માં ચીને ભારતના અરુણાચલ પ્રદેશના છ સ્થળોનાં નામો બદલવાની યાદી
જાહેર કરી હતી,
તે પછી 2021માં આવા બીજા 1પ સ્થળો તથા 2023માં 11 સ્થળોનાં
નામો બદલવાની યાદી ચીને બહાર પાડી હતી. હવે ગયા મહિને નામો બદલાયેલાં સ્થળોમાં ચીને
બીજા 30 સ્થળોનો ઉમેરો કર્યો હતો. ભારત આવા દરેક પ્રયાસનો કડક શબ્દોમાં વિરોધ કરે
છે, તો પણ ચીન પોતાની ચાલબાજીને ચલાવતું રહે છે. નવી દિલ્હીએ
વધુ એક વખત પુનરોચ્ચાર કર્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે અને રહેશે.
નામ બદલવાથી કોઈ જગ્યા તેની થઈ શકે નહીં. હવે એ વાત સૌ કોઈ જાણે છે કે, ચીન ભારતની સાથે શત્રુતાભર્યું વલણ રાખે છે. નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસો અને નામો બદલવાના
સતત પ્રયાસોની સાથોસાથ ભારતના પડોશી દેશોમાં પોતાનો પ્રભાવ વધારીને ચીન પોતાની લાંબાગાળાની
ચાલ પર કામ કરતું રહ્યંy છે. પાકિસ્તાન, નેપાળ અને બાંગલાદેશને પોતાની પાંખમાં લઈને ચીન ભારતની સામે આડકતરો રાજદ્વારી
અને વ્યૂહાત્મક મોરચો ઊભો કરી રહ્યંy છે, પણ ભારત સતત સાબદું છે અને આપણી વ્યૂહાત્મક તાકાત અને રાજદ્વારી સક્રિયતાને
લીધે ચીનનો કારસો સફળ થતો નથી. ચીન સારી રીતે સમજે છે કે આવા બાલિશ પ્રયાસોથી તે ભારતના
વિસ્તારો પરના પોતાના દાવાને કાયદેસરતા આપી શકે તેમ નથી. ખરેખર તો પાકિસ્તાનને પડખે
ઊભા રહીને ચીને ભારતની સાથે સીધી દુશ્મનાવટને વધુ જાહેર કરી દીધી છે.