નવી દિલ્હી, તા. 18 : પાકિસ્તાન
સામે ચાલેલા ઓપરેશન સિંદૂર બાદ હવે સંરક્ષણ દળોને હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે
40,000 કરોડ રૂપિયાની મોટી રકમ મળશે.
રક્ષા મંત્રાલયે સેનાની ત્રણેય પાંખને લગભગ 40,000 કરોડ રૂપિયાની તાકીદની સંરક્ષણ ખરીદીને મંજૂરી આપી છે. રક્ષામંત્રી
રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી ડીએસીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મંજૂરી એવે સમયે
અપાઇ છે જ્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પાકિસ્તાન સીમા પાર આતંકવાદને પ્રોત્સાહન બંધ
નહી કરે તો વર્તમાન યુદ્ધવિરામ માત્ર એક રણનીતિક વિરામ જ રહેશે. નવા અધિકાર હેઠળ ત્રણેય
સેના પોતાની જરૂરિયાત અનુસાર ઝડપથી ખરીદી કરી શકશે. પ્રત્યેક કરારની મહત્તમ સીમા 300 કરોડ રાખવામાં આવી છે, જેમાં મિસાઈલો અને લાંબી દૂરીના હથિયાર,
સ્પાઈસ-2000 અને સ્કેલ્પ
જેવા ચોક્કસ લક્ષ્યાંકને નિશાન બનાવતા બોમ્બ, લુટરિંગ મ્યુનિશન અને કામિકાજે ડ્રોન, એન્ટી ડ્રોન સિસ્ટમ,
બેરાક-8 અને સ્વદેશી
આકાશ મિસાઈલ સિસ્ટમ જેવા એરડિફેન્સ હથિયારની સાથે એક્સકેલિબર આર્ટિલરી સામેલ છે. તમામ
પ્રકારની ખરીદી આર્થિક સલાહકારોની સહમતિ બાદ કરવામાં આવશે. આયાતની સ્થિતિમાં વિશેષ
અનુમતિ લેવી પડશે. ભારતીય સેના અને વાયુસેનાએ હેરાન માર્ક-2 ડ્રોન ઈમર્જન્સી શક્તિઓ હેઠળ જ મેળવ્યા
હતા, જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂર દરમિયાન લાઈવ ઓપરેશન
ઉપર નજર રાખવા માટે કરવામાં આવ્યો હતો. વધુમાં રક્ષા મંત્રાલય સૈન્ય દળો માટે લાંબાગાળાની
પરિયોજના ઉપર કામ કરી રહ્યું છે અને આ માટે ઉદ્યોગ જગતના નેતૃત્વ સાથે મુલાકાતો થઈ
રહી છે.