ગાંધીધામ, તા. 7 : શહેરમાં નકલી નોટ ધબડાવી ચલણી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીના ચાર પૈકી ત્રણ શખ્સને પોલીસે દબોચી લીધા
હતા. આરોપીઓના કબજામાંથી રોકડ રકમ, મનોરંજન નોટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી
મળતી વિગતો મુજબ એલ.સી.બી.એ વોચ ગોઠવી ગાંધીધામ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સબીરહુસેન
સુલતાન હુસેન શેખ, રમઝાન
સાલેમામદ કકલ અને ઈરફાન ગુલામહુસેન સૈયદને
ઝડપી પાડયા હતા. આરોપીઓ સોશિયલ મીડિયામાં ચલણી નોટની રીલ બનાવી અજાણ્યા આરોપીઓને વિશ્વાસમાં
લઈને ભારતીય મનોરંજન બેન્કની નોટો ધબડાવી છેતરપિંડી કરતા હતા. આરોપીઓ એસ.ટી. બસ સ્ટેશન
પાસે અસલ જેવી દેખાતી ચલણી નોટ સાથે અમુક લોકોને
છેતરવાની પેરવીમાં હતા, ત્યારે પોલીસે ત્રાટકીને ટોળકીનો
કારસો વિફળ બનાવ્યો હતો. આરોપીઓના કબજામાંથી રૂા. 500ના દરની ચાર નોટ, ભારતીય ચલણી નોટ જેવી લાગતી મનોરંજન બેન્ક લખેલી
ચલણી 24 નંગ ચલણી નોટો, અલ્ટો કાર અને એક્ટિવા સહિત ચાર લાખની કિંમતનો
મુદ્દામાલ કબજે કર્યો હતો. એલ.સી.બી.એ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવાઈ છે.
અંજારના શેખટીંબાના રહેવાસી આરોપી ઈશબરા અલીશા શેખને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં
છે.