• ગુરુવાર, 02 મે, 2024

મેઘપર (બો.)માં ટ્રેક્ટરે મોપેડને હડફેટે લેતાં બાળકીનું મોત

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક પુષ્પ કોટેજ સોસાયટી પાસે એક્ટિવા પર જતા નાના -દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં લેતાં ફલક પ્રજેશકુમાર વ્યાસ (..11)નું મોત થયું હતું. બીજી બાજુ અંજારના વિજયનગરમાં મનીષ મનસુખ બાંભણિયા (..25) ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. મેઘપર બોરીચીની આશાપુરા પાર્ક સોસાયટીમાં રહેનાર ફરિયાદી એવા ધારાશાત્રી પ્રજેશકુમાર અશ્વિન વ્યાસ તથા તેમના પત્ની, બાળકો, પિતા અને સસરા ગત તા.13/4ના પોતાનાં ઘરે હતા. બપોરે ચાર વાગ્યાના અરસામાં દીકરી ફલકનો ટયૂશનનો સમય થતાં નાના કેશવજી કુંજબિહારી સાંચીહર ફરિયાદીનું એકિટવા નંબર જીજે-05-પીએમ-2295 લીધું હતું અને પોતાની દોહિત્રીને ટયૂશન મૂકવા જઈ રહ્યા હતા. તેઓ પુષ્પ કોટેજ સોસાયટી નજીક પહોંચ્યા હતા ત્યારે આગળ ટેન્કરવાળું ટ્રેકટર જઈ રહ્યું હતું. ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનું વાહન એકિટવા તરફ દબાવતાં એક્ટિવાને અડી ગયું હતું જેમાં દ્વિચક્રીય વાહન પાછળ બેઠેલી ફલક નામની બાળકીને ટેન્કર માથાંમાં અથડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બાળકીને સરવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર દરમ્યાન તેણે રાત્રિના ભાગે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના મોતને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ટ્રેકટરચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ અંજારના વિજયનગરમાં રહેનાર મનીષ બાંભણિયા નામના યુવાને ઘરકંકાસથી કંટાળી પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરે હતો દરમ્યાન ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang