• મંગળવાર, 23 જુલાઈ, 2024

મણિપુરમાં ભરોસો જગાવો

પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં વંશીય તંગદિલીની આગ શમવાનું નામ લેતી જણાતી નથી. આદિવાસી વસ્તીની બહુમતી ધરાવતા વિસ્તારોમાં થોડા દિવસ અગાઉ તોફાનો થયા બાદ ત્યાં હિંસાના બનાવો સતત બનતા રહ્યા છે. સરહદી જિલ્લા વિષ્ણુપુર અને ચુરાચાંદપુરમાં લગભગ એક પખવાડિયાં અગાઉ થયેલા હિંસાના બનાવોમાં લગભગ 11 જણાનાં મોત થયાં હતાં. હવે આ વિસ્તારમાં હિંસાના તાજા બનાવોમાં એક જણનું મોત થયાના અહેવાલ છે, તો રાજધાની ઇમ્ફાલમાં અમુક દુકાનોને આગચંપી કરાઇ હતી. વાત વણસતી જણાતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શાંતિની અપીલ કરવાની ફરજ પણ પડી છે. મણિપુર જેવાં સંવેદનશીલ રાજ્યમાં કુકી અને નાગા સમુદાયના લોકોમાં સરકાર માટે અવિશ્વાસની લાગણી સતત વધી રહી છે. તેમને એમ લાગવા માંડયું છે કે, નવી રાજ્ય સરકાર તેમના અધિકાર આંચકી રહી છે. કુકી અને નાગા સમુદાયને એમ લાગી  રહ્યંy છે કે, મૈતેઇ સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાથી તેમના અધિકાર પર સરકાર તરાપ મારી રહી  છે. મૈતેઇ સમુદાય રાજ્યની કુલ વસ્તીનો 50 ટકા હિસ્સો છે અને વિધાનસભાની 60માંથી 40 બેઠક પર તેમનું પ્રભુત્વ છે. હાલે આદિવાસી દરજ્જો ધરાવતા નાગા અને કુકી રાજ્યના પર્વતીય વિસ્તાર પર અધિકાર ધરાવે છે. તેમના સિવાય ત્યાં કોઇ મિલકત ખરીદી શકતું નથી, પણ મૈતેઇને આદિવાસીનો દરજ્જો મળે તો તેમને આ અધિકાર મળી શકે છે. આમ, સ્વાભાવિક રીતે નાગા અને કુકી સમુદાય અકળાયેલા છે, પરિણામે તેમનામાં રોષ છે. ખરેખર તો કેન્દ્ર અને રાજ્ય સરકારે હિંસાને કાબૂમાં લેવા બળપ્રયોગની સાથોસાથ આ બન્ને સમુદાયના વિશ્વાસને ફરી પુન:સ્થાપિત કરવા પણ પૂરતું ધ્યાન આપવાની જરૂરત છે. ખરેખર તો આ બાબતે લાંબાગાળાનાં પગલાં લેવાય તો કાયમી શાંતિ સ્થાપિત કરી શકાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang