• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અબ દિલ્હી દૂર હૈ ?!

કર્ણાટક - વિધાનસભાની ચૂંટણીમાં વિજય પછી મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની શપથવિધિમાં `યુપીએ'ના ભાગીદાર નેતાઓ હાજર રહ્યા અને મંચ ઉપર સૌએ હાથ ઊંચા કર્યા. તેથી એવી છાપ પડે છે અથવા ઊભી થઈ છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ સૌને સ્વીકાર્ય છે. લોકસભાની ચૂંટણીઓ ભાજપ સામે `સર્વસંમત' એક ઉમેદવાર હશે, પણ દિલ્હી હજુ દૂર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણી માર્ગમાં છે અને કર્ણાટકના કડવા અનુભવ પછી નરેન્દ્ર મોદી સાવધાન છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, બંગાળ, આંધ્ર, તેલંગાણા, કેરળ જેવાં ઘણાં રાજ્યો કોંગ્રેસ-યુપીએથી અલગ-અળગા રહેશે. શપથવિધિમાં અખિલેશ યાદવ, માયાવતી અને મમતા હાજર નહોતાં. અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના ચંદ્રશેખર રાવ તથા આંધ્રના જગનમોહન રેડ્ડીને આમંત્રણ અપાયાં નહોતાં. મમતાજીએ માત્ર બે પ્રતિનિધિ મોકલ્યા, શરદ પવાર ગયા પણ ઉદ્ધવ ઠાકરેએ માત્ર પ્રતિનિધિ મોકલ્યા. આ ગેરહાજરી સૂચક છે : અબ દિલ્હી દૂર નહીં - એમ માની લેવામાં ઉતાવળ છે, અધિરાઈ છે ! ઇન્દિરાજી અને રાજીવની વાત - સત્તાવાપસીના સંજોગો અને શક્તિ અલગ હતી : રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધી બની શકે ? કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અભૂતપૂર્વ વિજય અને ભાજપ માટે આઘાતજનક પરાજય પછી રાજકારણના રંગઢંગ બદલાઈ રહ્યાં છે. હવે 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં મોદીને હરાવવાની ચર્ચા-ચિંતા નહીં, શરૂ થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર તો કહે છે : `કર્ણાટકે પરિવર્તનની શરૂઆત કરી છે - હવે લોકસભાનો વારો છે.' આપખુદશાહી અને નરેન્દ્ર મોદી - અમિત શાહને હટાવવાનો વિશ્વાસ જાગ્યો છે - મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી અને ઉદ્ધવ સાથે મળીને ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજકીય વિવાદનો ચુકાદો આપ્યા પછી શરદ પવારે જાહેરમાં ઉદ્ધવ ઠાકરેની નેતાગીરીની ભારે ટીકા કરી ત્યારે ભવિષ્યમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર આઘાડીના મુખ્યપ્રધાન પદના અધિકારી નહીં હોય એવી સૌને ખાતરી થઈ હતી. અદાણી કેસમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી જુદા રહ્યા - ત્યાં સુધી રાજકારણમાં ચાણક્ય ગણાતા પવારસાહેબની ભાવિ ચાલ (બાજી) વિશે કોંગ્રેસને પણ આશંકા હતી. હવે કર્ણાટકનાં પરિણામ આવ્યાં પછી રાહુલ ગાંધી અને ભારત જોડો - સાથે જોડાઈ ગયા છે. નિવૃત્તિ નહીં, વિશેષ પ્રવૃત્તિની વૃત્તિ સ્પષ્ટ છે ! શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીની નેતાગીરી બિરદાવી છે : અન્ય વિપક્ષી નેતાઓએ આવો ઊમળકો બતાવ્યો નથી, પણ કોંગ્રેસપ્રમુખ ખડગેએ 2024માં મોદી સામે રાહુલ ગાંધી હશે એવી જાહેરાત કરી છે. અલબત્ત, આ બાબત નિશ્ચિત છે જ, પણ વિપક્ષોનો સહકાર અને સર્વસંમતિ હશે ? હજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઉપરાંત તેલંગાણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી ગાજે છે. ત્યાં સુધીમાં ભાજપ કેવી પાળ-ફાયરવોલ- બાંધે છે તે જોવાનું છે. કર્ણાટકનો વિજય રાહુલ ગાંધીને નહીં, પ્રાદેશિક નેતાઓ, પ્રશ્નો અને વચનોને આભારી છે. ભાજપે આ કારણો નોંધી લીધાં હશે જ. વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભામાં ચૂંટણી પછી જનતા દળના કુમારસ્વામીને મુખ્યપ્રધાન પદે બેસાડીને તમામ વિપક્ષી ધુરંધર નેતાઓ એક મંચ ઉપર ઊભા રહ્યા હતા - હમ સબ એક હૈ - પણ તે પછી લોકસભાની ચૂંટણી - 2019માં ભાજપે 28માંથી 25 બેઠક મેળવી. 2018ના ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર આવી અને ચાર મહિના પછી લોકસભાની ચૂંટણીમાં ત્રણે રાજ્યની 65 બેઠકમાંથી 62 ભાજપે જીતી લીધી. કર્ણાટકમાં પણ મોદી પ્રચારમાં છવાયા હોત નહીં તો ભાજપને આટલી બેઠકો મળવાની આશા નહોતી. ઉપરાંત કર્ણાટકની સ્થિતિ - ભ્રષ્ટાચાર અને જાતિવાદ સાથે સ્થાનિક નેતાગીરીનો ફાયદો કોંગ્રેસને મળ્યો. રાજ્યોની ચૂંટણીમાં ભાજપે સ્થાનિક નેતાગીરી મજબૂત કરવાની જરૂર છે. ડબલ એન્જિનમાં બન્ને પાવરફુલ હોવા જોઈએ - આગળ ડબ્બા ચાલે નહીં - આ વાસ્તવિકતા ભાજપે સ્વીકારવી પડશે. ભાજપ ઉપર કર્ણાટકની કેવી અસર પડશે ? લોકસભામાં અત્યારે 300થી વધુ બેઠક છે તેટલી જળવાશે ખરી ? 2019માં ગુજરાત, રાજસ્થાન - ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મેળવેલી બેઠકો યથાવત્ રહે નહીં તો ખાધ ક્યાંથી પુરાય ? ઈશાન ભારતમાં આશા છે પણ ત્યાં જાતિવાદી સંઘર્ષ ચાલ્યા કરે છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ અને કર્ણાટકની કુલ 130 બેઠક છે. ત્યાંથી ભાજપને 29 બેઠક મળી છે, પણ તેમાં 25 તો કર્ણાટકની છે ! હવે 2024ની ચૂંટણીમાં કર્ણાટક ઉપર કેટલો આધાર રાખી શકાય ? ભાજપે અત્યારથી તૈયારી શરૂ કરી છે. તેલંગાણાના ચંદ્રશેખર રાવ તો કૉંગ્રેસનો હાથ પકડવા તૈયાર નથી. મહારાષ્ટ્રમાં `િકસાન સરકાર' લાવવા માટે અત્યારથી પ્રચાર કરવા નીકળ્યા છે. મમતા દીદી બેનરજીએ તો પહેલી શરત મૂકી છે - જે રાજ્યમાં સ્થાનિક પક્ષ શક્તિશાળી હોય ત્યાં તેનો ઇજારો - અર્થાત્ ભાજપ સામે માત્ર એક જ ઉમેદવાર સ્થાનિક પક્ષનો હોવો જોઈએ. બંગાળમાં કોંગ્રેસ ડાબેરીઓ સાથે છે તેથી મમતા દીદીની પરવા નહીં કરે. ઓડિસામાં નવીન પટનાયકે સ્પષ્ટ કહ્યું છે કે, 2024માં મોદી - ભાજપની સરકાર હશે. અખિલેશ યાદવ પણ મમતા દીદીની જેમ કોંગ્રેસને સાથ આપે તો પણ એમની શરતે જ અને ભૂતકાળમાં હાથ દાઝ્યો તે યાદ છે. આ સંજોગોમાં કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળ યુપીએ - ચૂંટણી પછી જ શક્ય બને અને હવે કોઈ ડો. મનમોહન સિંઘને વડાપ્રધાનની ખુરસીમાં નહીં બેસાડાય - રાહુલ ગાંધી તૈયાર છે ! - કોંગ્રેસ સિવાય મોરચો શક્ય છે ? : દક્ષિણ ભારતના પ્રાદેશિક પક્ષો સાથે રાષ્ટ્રીય પક્ષ - કોંગ્રેસ નાનાભાઈની ભાગીદારી કરે છે, પણ રાષ્ટ્રીય પક્ષ - કોંગ્રેસ માટે ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ તથા મહારાષ્ટ્ર મહત્ત્વનાં છે અને આ ત્રણે રાજ્યમાં પ્રાદેશિક પક્ષો ડીએમકેની જેમ બેઠકોમાં મોટો ભાગ માગે તે સ્વાભાવિક છે અને એટલા પ્રમાણમાં કોંગ્રેસના ભાગે જે બેઠકો આવે તેમાંથી કેટલી મળે ? રાહુલ ગાંધી ઇન્દિરાજી બની શકે ? ભવિષ્યની ચર્ચા કરવા પહેલાં ભૂતકાળની ઘટનાઓ અને કર્ણાટકની ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ જરૂરી છે. ઇમર્જન્સી પછી 1977ની ચૂંટણીમાં ઇન્દિરાજીનો પરાભવ થયો તે પછી દક્ષિણ ભારતમાં રાજ્યાશ્રય મળ્યો. લોકસભામાં ચૂંટાયા પછી ઇમર્જન્સીના ગુનાઓ બદલ બરતરફ થયાં - આ દરમિયાન વડાપ્રધાન મોરારજીભાઈની નામંજૂરી હોવા છતાં ગૃહપ્રધાન ચૌધરી ચરણ સિંહે - નાના અમથા ગુનાસર ઇન્દિરાજીની ધરપકડ કરાવી.. ઇન્દિરાજીને જનતાની સહાનુભૂતિ મળી - શાહપંચની સુનાવણીમાં જવાબ આપવાનો ઇન્કાર - બહિષ્કાર કર્યો. બીજી બાજુ જનતા પાર્ટી અને સરકારમાં મધુ લિમયેની સલાહથી ચૌધરીએ આરએસએસના બહાને વિવાદ ભડકાવ્યો. સરકાર પડી અને ઇન્દિરાજીની સત્તાવાપસી થઈ ! રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં સજા જાહેર થઈ. લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું. કર્ણાટકે ઇન્દિરાજી પછી રાહુલ ગાંધી - પરિવારને સહાનુભૂતિ - સમર્થન આપ્યું. ઇતિહાસની આ ઘટનાનો રાજકીય સંબંધ છે. આ વખતે ચૂંટણીમાં પ્રાદેશિક નેતાઓ સિદ્ધારમૈયા અને શિવકુમારનું યોગદાન મુખ્ય હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો નવી દિલ્હીના ! પ્રાદેશિક ભાવના - ભાષાનાં કારણે પણ જાગી. રાહુલ ગાંધી અને પરિવારે મોદી ઉપર પ્રહાર કરવાને બદલે લોકોને રાહત અને `રેવડી' - ગેસ સિલિન્ડરની ભેટ જાહેર કરી. આ ઉપરાંત બજરંગદળ ઉપર પ્રતિબંધ મૂકવાનું વચન આપીને જનતાદળની મુસ્લિમ બેન્ક લૂંટી લીધી. પરિણામે ભાજપ સામે કોંગ્રેસ - સીધો મુકાબલો હતો. અલબત્ત, વિજયનો યશ નેતાને જ મળે છતાં પ્રાદેશિક નેતાઓને અને કોંગ્રેસ પ્રમુખ ખડગેને આગળ કરવાનું રાજકીય શાણપણ કોંગ્રેસે બતાવ્યું. ભાજપને મોદી નામ અને કામનો લાભ મળે છે તે હકીકત છે, પણ આ લાભ લોકસભાની ચૂંટણીમાં વિશેષ મળે છે. રાજ્યોની ચૂંટણીમાં મર્યાદિત છે. 2014 પછી દેશભરમાં રાજ્યોની 57 ચૂંટણી થઈ છે, તેમાંથી 29 (અર્થાત્ પચાસ ટકા)માં ભાજપને પરાજય મળ્યો છે ! કર્ણાટકનો પરાજય વધુ નુકસાનકારક છે. જે 28 રાજ્યમાં સત્તા મળી છે તેમાં બાર રાજ્યમાં સ્પષ્ટ બહુમતી અને બાકીનાં રાજ્યોમાં સૌથી મોટા પક્ષ તરીકે સત્તા મળી છે. તેથી શરદ પવાર અને નીતીશકુમાર કહે છે કે, ભાજપ સામે એક ઉમેદવાર હોય તો આસાનીથી હરાવી શકાય, પણ એક ઉમેદવારની આસાની છે ? મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોંગ્રેસના ભાગે કેટલી બેઠકો આવે ? આ સંજોગોમાં કોંગ્રેસ - `યુપીએ'ની ઓફર કરશે. નેતા - વડાપ્રધાન પદનો નિર્ણય પરિણામ પછી કરવાની ખાતરી આપશે, જેથી સૌથી વધુ સભ્યસંખ્યા - (જે કોંગ્રેસના હાથમાં હોય) તેને વડાપ્રધાન પદ મળે ! પણ રાહુલ ગાંધી સિવાય બીજું કોણ હોય ? જો પ્રાદેશિક નેતાઓ આવી સમજૂતી માટે તૈયાર થાય નહીં તો કોંગ્રેસ જે પક્ષો સાથે આવે તેને લઈને ભાજપ સામે આવશે - થોડાં રાજ્યોમાં ભલે ત્રિપક્ષી મુકાબલો થાય, પણ રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધી બની શકે ?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang