• સોમવાર, 22 જુલાઈ, 2024

કચ્ચાથીવુ દ્વીપનો વિવાદ

કચ્ચાથીવુ દ્વીપના જે મુદ્દાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં પણ સંસદ અને રેલીમાં ઉઠાવી ચૂક્યા છે, તેની વિગત હવે આરટીઆઈનાં માધ્યમથી બહાર આવી છે. 1974માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય દ્વીપ શ્રીલંકાને સોંપી દીધો હતો. અરુણાચલ પ્રદેશ અને ચીન જેવા મુદ્દા ઉઠાવીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસ સહિત અન્ય પક્ષો વિરુદ્ધ ભાજપ હવે સમગ્ર દેશમાં ચૂંટણી મુદ્દો બનાવે તો નવાઈ નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતની એકતા - અખંડિતતાને નબળી પાડવી કોંગ્રેસની રીતરસમ છે. મેરઠ રેલીમાં કહ્યું છે કે, કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ ભારતમાતાનાં અંગને કાપી નાખ્યું છે. મુદ્દો દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે ગરમાટો લાવશે. તેમાં પણ તામિલનાડુમાં સત્તારૂઢ દ્રમુકને ચિંતિત કરી શકે છે. કારણ કે, દ્રમુક કોંગ્રેસ સાથે ચૂંટણી મેદાનમાં છે. મુદ્દે વડાપ્રધાન મોદીએ તામિલનાડુના શાસકપક્ષ દ્રમુકને ઘેર્યો છે અને કહ્યું છે કે, તામિલનાડુનાં હિતોની રક્ષા માટે ડીએમકેએ ક્યારેય પણ કંઈ કર્યું નથી. કચ્ચાથીવુ પ્રકરણની જાહેરમાં આવેલી માહિતીએ ડીએમકેનાં બેવડાં વલણનો પર્દાફાશ કર્યો છે. કચ્ચાથીવુ દ્વીપને શ્રીલંકાના હાથમાં આપતાં પહેલાં કરુણાનિધિની પણ સહમતી લેવામાં આવી હતી એમ પણ મોદીએ જણાવ્યું હતું અને ઉમેર્યું છે કે, આનાથી તામિલનાડુના માછીમારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મે, 1961માં તત્કાલીન વડાપ્રધાન નેહરુએ પણ મુદ્દાને અપ્રાસંગિક ગણાવી નકારી કાઢયો હતો. તેમણે લેખિત નિવેદન આપ્યું હતું કે, હું દ્વીપ પરનો દાવો છોડવામાં કોઈ ખચકાટ નહીં અનુભવું. નાના દ્વીપનું બિલકુલ મહત્ત્વ નથી. મને પસંદ નથી કે, વિવાદ અચોક્કસ સમય સુધી ચાલુ રહે અને ફરીથી સંસદમાં ઉઠાવવામાં આવે. કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાના નેદુનથીવુ અને ભારતના રામેશ્વરમ વચ્ચે સ્થિત છે. પારંપરિક રૂપથી બન્ને દેશોના માછીમારો દ્વારા તેનો ઉપયોગ થતો રહ્યો છે. દ્વીપ રામેશ્વરમથી લગભગ 19 કિલોમીટર દૂર છે. સ્વતંત્રતાના સમય પછી પણ દ્વીપ ભારતનો હિસ્સો હતો, પરંતુ શ્રીલંકા સતત આના પર દાવો કરતું રહ્યું છે. 1974માં બન્ને દેશ વચ્ચે મુદ્દા પર બે બેઠક થઈ. પછી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ સિરિમાવો ભંડારનાયકેની સાથે થયેલી સમજૂતીના અંતર્ગત કચ્ચાથીવુ દ્વીપ ઔપચારિક રીતે શ્રીલંકાને સોંપી દીધો હતો. ઇન્દિરા ગાંધીના નિર્ણયનો વિરોધ તામિલનાડુ અને અડીને આવેલાં રાજ્યોમાં થયો હતો. કારણ કે, માછીમારોના અધિકારો પર મોટો વજ્રાઘાત હતો. વાસ્તવમાં ભાજપ હંમેશાં દેશનાં સાર્વભૌમત્વને મહત્ત્વ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વેળા દેશની એક એક ઇંચ ભૂમિ માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનો વિશ્વાસ દેશવાસીઓને અપાવ્યો છે. કચ્ચાથીવુ મુદ્દે હવે વિરોધ પક્ષ, ખાસ તો કોંગ્રેસ શું ખુલાસો કરે છે જાણવામાં દેશને રસ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang