• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં પોસ્ટ અધીક્ષક મુદ્દે ચલકચલાણું : ભાગલા પાડવા તૈયારી ?

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 23 : સરકારી વિભાગોમાં દાયકાઓથી અણમાનીતા ગણાતાં કચ્છની આ છાપ કમનસીબે હજી પણ ઘણેઅંશે જારી છે અને કચ્છના પોસ્ટ ખાતામાં અધિકારીઓના ચલકચલાણાનો દોર લંબાતો જ જાય છે અને અત્યારે એવી વિચિત્ર પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે એક જ વર્ષના ગાળામાં કચ્છ ડાક વિભાગમાં ચોથા પોસ્ટ સુપરિન્ટેન્ડેન્ટ (એસ.પી.) નિયુક્ત થવા જઈ રહ્યા છે. હજી ચાર મહિના પહેલાં જ છેક આંધ્રપ્રદેશથી બદલી કરીને કચ્છમાં મુકાયેલા ડાક અધીક્ષકને  પદ પરથી હટાવી દેવાયા છે અને કચ્છ પોસ્ટમાં અત્યાર સુધી જે પદ જ નહોતું એવી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની નવી પોસ્ટ ઊભી કરી તેના પર ઉતારી દેવાયા છે અને કેરળથી સ્વરાજ નાયરને કચ્છના નવા એસ.પી. નિયુક્ત કરાયા છે અને એકાદ સપ્તાહમાં તેઓ ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.  ટોચના અધિકારીઓની ફેરબદલ અંગે સત્તાવાર કારણ અપાયું નથી, પણ માહિતગાર વર્તુળોએ એવો આક્ષેપ કર્યો છે કે, આંતરિક ખટપટો અને ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે.  દરમ્યાન, કચ્છમાં પોસ્ટના બે ડિવિઝનની દરખાસ્ત હવે આગળ વધી છે. તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં મળેલી એક ઉચ્ચ બેઠકમાં દેશના વિવિધ સ્થળે લગભગ 3પ નવા ડિવિઝન અને 6પથી 70 નવા સબ ડિવિઝનની રચનાના પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી અને કચ્છમાં પણ હવે ભુજ(પશ્ચિમ) અને ગાંધીધામ (પૂર્વ) એમ બે ડિવિઝનને ટૂંક સમયમાં સત્તાવાર રીતે મંજૂરી આપી દેવાશે તેમ જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મે મહિનામાં જ આંધ્રપ્રદેશથી કચ્છમા એસ.પી. તરીકે બદલી પામેલા ગુમ્પાસ્વામી બોરેડીને હાલમાં જ સુપરિન્ટેન્ડેન્ટનું પદ લઈને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ બનાવી દેવાયા છે અને હવે કચ્છ પોસ્ટને નવા એસ.પી. મળશે જે કેટલો  સમય ટકે છે તે જોવાનુ છે. - બે વાર વિજિલન્સની તપાસ : પોસ્ટ વિભાગ વહીવટી કારણ ગણાવે છે, પણ સૂત્રોએ કરેલા આક્ષેપ મુજબ આંતરિક ખટપટો અને ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે. થોડા સમય પહેલાં અધિકારી સામે વધુ પડતા કડક અભિગમ અને ક્યાંક કર્મચારીઓ સાથે ગેરવર્તનની ફરિયાદો ઊઠી હતી.  કર્મચારીઓના કોઈ બિલને મંજૂરી ન મળવાને લીધે કામકાજ પર અસર પડતી હોવાની રાવ પણ સંભળાઈ હતી. જો કે, બીજી તરફ સૂત્રોએ એવો પણ પક્ષ કહ્યો હતો કે કેટલીક વસ્તુઓમાં નિયમભંગ થતો હતો અને નવા અધિકારીએ યોગ્ય પ્રક્રિયા અને નિયમોને અનુસર્યા વિના ચાલતાં કામકાજ સામે રોક લગાવી હતી જેને પગલે આંતરિક ખટરાગ સર્જાયો હતો. અધિકારી સામેની ફરિયાદોને પગલે થોડા સમય પહેલાં રાજકોટથી પોસ્ટની વિજિલન્સની એક ટીમ ભુજ આવીને તપાસ કરી ગઈ હતી તો હાલમાં જ નવી ફરિયાદોને પગલે અમદાવાદથી પણ વિજિલન્સની વધુ એક ટીમ આવી હતી અને જાંચ હાથ ધરી હતી. ત્યારબાદ પોસ્ટ વિભાગે આ વહીવટી ફેરફાર કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, કચ્છ એ સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ (એસએસપી) કક્ષાનું ડિવિઝન નથીછતાં અહીં ડેપ્યુટી એસ.પી.ની પોસ્ટ હાલના તબક્કે ઊભી કરીને નિમણૂક કરી હતી અને સુરેન્દ્રનગરના એસ.પી.ને કચ્છના એસ.પી.નો વધારાનો ચાર્જ સોંપી દેવાયો હતો.  - એક વર્ષમાં ચાર અધીક્ષક ! : કચ્છમાં છેલ્લા કેટલાય વર્ષથી લાંબા સમય સુધી ફરજ બજાવનારા ડાક અધીક્ષક મળ્યા નથી, જેને લીધે કામકાજ પર અસર પડતી હોય છે. ગયા વર્ષે પ્રકાશ જગતિયાની  નિમણૂક થઈ હતી અને છએક માસમાં તેઓ બદલાઈ ગયા. 18મી એપ્રિલે આર.આર. વીરડાની કચ્છના અધીક્ષક તરીકે બદલી થઈ અને પણ 17 દિવસમાં તો તેમની અમરેલીના એસ.પી. તરીકે બદલીના આદેશ પણ આવી ગયા. પછી ગુમ્પાસ્વામીની બદલી થઈ અને હવે સ્વરાજ નાયર આવી રહ્યા છે. આ સંદર્ભમા ગુમ્પાસ્વામીનો સંપર્ક કરતાં તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતુ. - બે ડિવિઝન બનશે, પણ નવો સ્ટાફ નહીં : માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર કચ્છમાં થોડા દિવસોમાં જ પોસ્ટના બે ડિવિઝન કરી નાખવા માટે તૈયારી થઈ ગઈ છે. નવો સ્ટાફ નીમાશે નહીં, પણ એક-બે નવા અધિકારીનું પદ ઊભું થશે. તાજેતરમાં મળેલી એક ઉચ્ચ બેઠકમાં બે નવા પોસ્ટ સર્કલ, દસ નવી પ્રાદેશિક  કચેરીઓ અને ઘણા જિલ્લાઓમાં બે ભાગ કરીને નવી ડિવિઝન ઓફિસ અંગેની દરખાસ્તો હાથ પર લેવાઈ હતી અને કચ્છમાં પણ બે ડિવિઝન માટેની મૈખિક સૂચનાઓ અપાઈ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. કચ્છ જેવા વિસ્તારની દૃષ્ટિએ બહુ મોટા જિલ્લા માટે બે ડિવિઝન મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ સંદર્ભમાં રાજકોટ ખાતેના પોસ્ટમાસ્તર જનરલ શ્રી દાલમિયાનો સંપર્ક કરતાં તેમણે માત્ર એટલું કહ્યું હતું કે, હજી સત્તાવાર કંઈ આવ્યું નથી. હુ વધુ કહી શકું નહીં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd