ભુજ, તા. 23 : પાંચ દિવસીય બેંકિંગ કામકાજ
કાર્યક્ષમતા આધારિત પ્રોત્સાહન સહિતની માંગ સાથે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા
28થી 30 સપ્ટેમ્બરના રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન અપાયું છે, તો આ હડતાળ પૂર્વે શનિ-રવિની રજાનાં કારણે પાંચ
દિવસ બેન્ક સેવા ખોરવાવાની હતી. જો કે રવિવારે બેંન્કિંગ સેવા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હોવા
છતાં કચ્છમાં રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનાં કારણે 1500 કરોડના વ્યવહાર અટવાય તેવી
ભીતિ વ્યકત કરાઈ રહી છે. બેંક હડતાળનાં પગલે
હરકતમાં આવેલી વિવિધ ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોએ ખાતેદારોને મેસેજ મારફતે જાણ કરી
25મી તારીખ સુધીમાં બેંકને લગતાં જરૂરી કામો
પતાવી લેવા અનુરોધ કર્યો છે. ઓનલાઈન બેંકિંગ સેવાનો પણ ખાતેદારો મહત્તમ લાભ લે તેવી
અપીલ કરવામાં આવી છે. સેટલમેન્ટ જોઈન્ટ નોટમાં રોજના 40 મિનિટના બેંકિંગ કામકાજ વધારવા, શનિવારની રજા જાહેર કરવા સહિતના નિર્ણયો લેવાયાં
છતાં સરકાર તરફથી અંતિમ મંજૂરી ન મળતાં આ મડાગાંઠ ઊભી થઈ છે. પડતર માગણીઓને લઈ યુનાઈટેડ
ફોરમ ઓફ બેન્ક યુનિયનના આદેશ તળે કર્મચારીઓ આ ત્રિદિવસીય હડતાળમાં જોડાવવાના છે. કચ્છમાં
400 જેટલી બેંક શાખાઓ કાર્યરત છે.
ત્રિદિવસીય રાષ્ટ્રીય હડતાળમાં કચ્છમાં 1200થી વધુ કર્મીઓ જોડાવાના હોવાથી બેંકિંગ સેવા ખોરવાઈ જવાની છે.
નોંધનીય છે કે, બેંક યુનિયને જો આ પ્રશ્નોનું
કોઈ નિરાકરણ નહીં આવે તો 26મી ઓક્ટોબરથી
અચોક્કસ મુદતની હડતાળનું એલાન પણ આપ્યું છે.
બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારોના મતે શુક્રવાર સુધી બેંકિંગ કામગીરી જારી રહેશ,ઁ એ પછી
રવિવારે એક દિવસ બેંકનું કાર્ય થશે તેને બાદ કરતાં ચાર દિવસની બેંકિંગ સેવા
આ હડતાળનાં પગલે સ્થગિત થઈ જવાની છે.