ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 23 : સમુદ્રી વ્યાપારમાં
કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા શિપિંગ ક્ષેત્રમાં
સમુદ્રી વ્યાપારમાં હરિત ઊર્જાને પ્રાધાન્ય
આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાલ મહાબંદરને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવાયું છે અને આ અંતર્ગત જ દીનદયાલ પોર્ટ અને
આસામ પેટ્રોકેમિકલના ઉપક્રમે આગામી 26મીએ
માતબર રકમના ખર્ચે નિર્માણ પામનારા
આ મહત્ત્વપુર્ણ પ્રકલ્પનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આસામ પ્રેટ્રોકેમિકલના ચેરમેને
કચ્છમિત્ર સાથેની વાતચીતમાં દેશના પ્રથમ એવા
ઈ-મિથેનોલ પ્રકલ્પથી ભારત મિથેનોલ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ
વ્યક્ત કર્યો હતો. - આસામ પેટ્રોકેમિકલ
1967થી કાર્યરત : ડીપીટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમ સ્થળે વાતચીત કરતા આસામ પેટ્રોકેમિકલના ચેરમેન બિકુલચંદ્ર
ડીકાએ જણાવ્યું હતું કે, આસામ સરકાર દ્વારા સ્થાપિત કંપની વર્ષ 1967થી કાર્યરત છે અને લાંબા અરસાથી
કુદરતી ગેસમાંથી ગ્રે મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. કંપનીના ઉત્પાદનની ગુણવત્તા 99 ટકા જેટલી હોવાનું જણાવી કંપની
પાસે રહેલા વ્યાપક અનુભવના આધારે દીનદયાલ પોર્ટ દ્વારા સંપર્ક કરાયો અને બન્નેના સંયુકત ઉપક્રમે દેશનો
પ્રથમ ઈ-મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ કંડલા ખાતે નિર્માણ કરાશે. કંડલા બંદરના કારણે ઔદ્યોગિક
નગરી તરીકે ઓળખાતાં ગાંધીધામ સંકુલનો ઔદ્યોગિક ધમધમાટ આ એકમના કારણે ઓર વધશે તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ
રોજગારીનું વ્યાપક સર્જન થશે તેવું તેમણે જણાવ્યું
હતું. - દેશની જરૂરિયાતના પ્રમાણમાં
મિથેનોલનુ ઉત્પાદન ઓછું : તેમણે વધુમાં
ઉમેર્યું હતું કે, મિથેનોલની પ્લાયવૂડ, ફાર્માસ્યુટિકલ સહિતનાં ક્ષેત્રમાં જ જરૂરિયાત રહે છે. આસામ સ્થિત પ્લાન્ટની ક્ષમતા વ્યાપક છે અને કોરોનાકાળ વખતે દવાની કંપનીઓમાં મિથેનોલ પૂરું પાડવાની જવાબદારી
નિભાવી હતી. જો કે, દેશમાં મિથેનોલની જરૂરિયાતનું બે-ત્રણ ટકા જેટલું જ ઉત્પાદન થાય છે. અનેક ક્ષેત્રમાં જરૂરિયાત રહે છે. આસામ ખાતે કુદરતી ગેસમાંથી મિથેનોલ ઉત્પાદન કરાઈ રહ્યું છે, ત્યારે કંડલા
ખાતે દેશનો પ્રથમ ઈલેક્ટ્રો મિથેનોલ પ્લાન્ટ કાર્યરત થશે તેવું તેમણે જણાવ્યું હતું. - બે વર્ષમાં પ્લાન્ટ કાર્યરત
કરવાની નેમ : કંડલા ખાતેના પ્લાન્ટ અંગેની માહિતી આપતા
તેમણે કહ્યું હતું કે, કંપની દ્વારા 2300 કરોડના ખચે નિર્મિત પ્લાન્ટ
બે તબક્કામાં વિસ્તૃત કરાશે. અંદાજે બે વર્ષમાં
પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કંપની દ્વારા દરિયાનાં પાણીને મીઠુ કરવા માટે ડિસેલીનેશન પ્લાન્ટ નખાશે. દરિયાનાં પાણીમાંથી હાઈડ્રોજન, અને સી.ઓટુનું મિશ્રણ કરીને ગ્રીન મિથેનોલ બનાવાશે.
પ્રથમ તબક્કામાં પ્રતિદિન 50 ટીપીડી અને ત્યારબાદ 150 ટીપીડીની ક્ષમતા વધારાશે. સમુદ્રી ક્ષેત્રમાં હરિત ઊર્જાનો પ્રયાસ
વધારવાની દિશામાં થનારી પહેલ માટે કંડલાનો આ પ્લાન્ટ મહત્ત્વપુર્ણ બની રહેશે. - મિથેનોલ માટે માર્કેટ હાજર
જ છે : કંડલા ખાતે ઈ-મિથેનોલ પ્લાન્ટ કાર્યરત થયા
બાદ તેનું ઉત્પાદન પ્રતિવર્ષ વધારવું પડશે તેવું કહેતા અધ્યક્ષ શ્રી ડેકાએ જણાવ્યું
હતું કે, સિંગોપોર અને કંડલા બંદર વચ્ચેના ગ્રીન કોરિડોરનાં
શિપ અહી ઈ-મિથેનોલ ભરાવવા આવશે, જેથી માર્કેટ ઉપલબ્ધ જ હોવાનું જણાવ્યું
હતું. મિથેનોલ ઉત્પાદન ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા માટે કંડલા ખાતેના પ્લાન્ટનું
વિસ્તૃતીકરણ કરવાની દિશામાં સમયાંતરે પગલાં લેવાશે તેવું તેમણે ઉમેર્યું હતું.