• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

છારીઢંઢ મુદ્દે એન.જી.ટી.ની ગુજરાત સરકારને નોટિસ

અમદાવાદ, તા. 23 : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પશ્ચિમ ઝોન બેન્ચે કચ્છના છારીઢંઢ નજીક પવન-સૌર હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ પર પર્યાવરણીય ચિંતાઓ ઉઠાવતી અરજી સ્વીકારી છે અને કેન્દ્ર, ગુજરાત સરકાર અને એન.ટી.પી.સી. રિન્યૂએબલ એનર્જી લિમિટેડ સહિત અન્ય પ્રતિવાદીઓને નોટિસ ફટકારી છે. ન્યાયિક સભ્ય ન્યાયાધીશ દિનેશકુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય ડો. સુજિતકુમાર બાજપેયીની બનેલી પૂણે બેન્ચે અવલોકન કર્યું કે અરજીમાં પર્યાવરણ સંબંધિત એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ મામલો 28 ઓક્ટોબરના વધુ વિચારણા માટે મૂકવામાં આવ્યો છે. નરોત્તમ આહીર અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કચ્છના નખત્રાણા તાલુકાના ફુલાય ગામના સર્વે નંબર 60/ભાગ-1 પર પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી પરવાનગીઓને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોએ દલીલ કરી હતી કે પ્રોજેક્ટ સ્થળ રામસર સ્થળ, છારીઢંઢ સંરક્ષણ અભયારણ્યની બાજુમાં હતું અને તેના પ્રભાવ ક્ષેત્રમાં આવે છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશથી પક્ષીઓ આવે છે. ટ્રિબ્યૂનલના આદેશ મુજબ પ્રોજેક્ટ માટે આશરે 512 હેક્ટર જમીન એન.ટી.પી.સી. રિન્યૂએબલ એનર્જી લિમિટેડને 40 વર્ષના લીઝ પર ફાળવવામાં આવી છે. અરજદારોનો આરોપ છે કે રસ્તા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને વનખાતાની મંજૂરી વિના ઘાસનાં મેદાનો સાફ કરવામાં આવ્યાં છે. આદેશમાં જણાવાયું હતું કે છારીઢંઢને 16 જૂન, 2008ના ગુજરાતના પ્રથમ સંરક્ષણ અનામત તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું અને 16 જૂન 2025ના રોજ રામસર કન્વેન્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. અરજદારોએ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના અહેવાલ પર પણ આધાર રાખ્યો હતો, જેમાં આ વિસ્તારમાં પક્ષીઓના નિવાસ, ખોરાક અને સંવર્ધન પ્રવૃત્તિઓ પર પ્રોજેક્ટની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એનજીટી બેન્ચે નોંધ્યું હતું કે વેટલેન્ડ્સ (સંરક્ષણ અને વ્યવસ્થાપન) નિયમો 2017ની લાગુ પડવાની ક્ષમતા અંતિમ સુનાવણી સમયે નક્કી કરવામાં આવશે. તેણે પ્રતિવાદીઓને ચાર અઠવાડિયામાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. અરજદારોએ વચગાળાની રાહત પણ માગી હતી, પરંતુ ટ્રિબ્યૂનલે કહ્યું કે, તે પ્રતિવાદીઓને સાંભળ્યા પછી અરજી પર વિચાર કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd