• શુક્રવાર, 31 જુલાઈ, 2026

કચ્છનું રોડ નેટવર્ક વધુ આધુનિક અને સુગમ બનશે

ભુજ, તા. 29 : ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતાં કચ્છમાં વિવિધ આંતર માળખાકીય સુવિધાનો વિકાસ થઈ રહ્યો છે. આંતર માળખાકીય વિકાસમાં રોડ નેટવર્ક અગ્રસ્થાને જોવા મળી રહ્યું છે. આગામી બે દાયકાના સંભવિત વિકાસ, વાહન વ્યવહારનું વધતું પ્રમાણ સહિતનાં પરિબળોને ધ્યાને લઈ કચ્છમાં રોડ નેટવર્કને વધુ સુગમ અને આધુનિક કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. એક અંદાજ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનામાંથી અબજો રૂપિયાનાં કામો હાથ ધરાઈ રહ્યાં છે. - ત્રણ હજાર કરોડના પાંચ મહત્ત્વના પ્રોજેક્ટ  : કચ્છમાં રોડ નેટવર્કના આધુનીકરણ અને મજબૂતીકરણના પાંચ મહત્ત્વના પ્રોજેક્ટનો ત્રણ હજાર કરોડના ખર્ચે કચ્છમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભુજથી ભચાઉ અને ભુજથી નખત્રાણા વચ્ચે હાઈસ્પીડ કોરિડોર, રોડ ટુ હેવનનું અપગ્રેડેશન, મુંદરા પોર્ટને જોડતા માર્ગોનું આધુનીકરણ, ગ્રીન ટેક્નોલોજી આધારિત રોડ સહિતના પાંચ મહત્ત્વની સાથે અન્ય રસ્તા કામો ધમધમી રહ્યાં છે. રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં કામો પણ ચાલી રહ્યાં છે. - બે હાઈસ્પીડ કોરિડોર, એકનું કામ અંતિમ તબક્કે પહોંચ્યું : રાજ્ય સરકારે 937 કરોડના ખર્ચે ભુજ-નખત્રાણા અને 690 કરોડના ખર્ચે  હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ કરવા માટે ભંડોળ ફાળવ્યું છે. હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત હયાત રોડને પહોળો કરવાની સાથે ટ્રાફિક વ્યવસ્થાને હળવી બનાવવા ઔદ્યોગિક પ્રવાસનના વિકાસને વેગ આપવા માટે ઓવરબ્રિજ અને અન્ડરપાસ નિર્માણ કરવામાં આવનારું છે. ભુજ-ભચાઉ કોરિડોરનું કામ માર્ચ 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. તાજેતરમાં કલેક્ટરે પણ આ હાઈસ્પીડ કોરિડોરનાં કામની પ્રગતિ નિહાળી હતી. - ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ  : રાજ્ય સરકારે કેટલાક માર્ગના નિર્માણમાં ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કચ્છમાં પણ લુણી-ગુંદાલા-બાબિયા માર્ગનું કામ ગ્રીન ટેક્નોલોજીથી હાથ ધરવાનું છે. આ તકનિકનો ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ કામમાં ટકાઉપણું લાવવા સાથે પુન:પ્રાપ્ય ઊર્જાને વેગ આપવાનો છે. - જમીન સંપાદન મોટો પડકાર : રોડ નેટવર્કના આધુનીકરણ અને વિસ્તૃતિકરણ કરવા માટે જમીનનુ સંપાદન કરવું જરૂરી બની જતું હોય છે. કચ્છમાં હાલ જે વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં જમીન સંપાદનની કામગીરી જ પડકારજનક બની રહી છે. જમીન સંપાદનમાં વિલંબના કારણે જ કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.  

Panchang

dd