ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના લાખાપર ગામમાં
એક યુવાનની જાતિ વિશે અપશબ્દો બોલનાર વૃદ્ધને ગામમાં બોલાવી તેમને માર મારી, જૂતા-ચપ્પલનો હાર પહેરાવી, સરઘસ કાઢી, વીડિયો વાયરલ કરવા અંગે 21 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઇ
હતી. અંજારના કોટડા (ચાંદરાણી)માં રહેનાર ફરિયાદી દેવજી નારાણ બાલાસરા (બ્રાહ્મણ) દુધઇ
ખાતે પટેલ રિટેલિંગ નામની કંપનીમાં કામ કરે છે, જેમાં અલગ-અલગ ગામમાં આખા મસાલા ખરીદી કરવાનું કામ આ ફરિયાદી કરે છે. ગત તા.
23/7ના તેમને લાખાપરના મંગાભાઇ
રબારીનો ફોન આવ્યો હતો અને જીરું વેચવાની વાત કરતાં ફરિયાદી તથા બોલેરોચાલક જગા રબારી
ત્યાં ગયા હતા, જ્યાં મંગાભાઇએ પોતાના
ઓળખીતા કપિલભાઇને જીરું વેચવાની વાત કરતાં તે ત્યાં ગયા હતા અને જીરુંના નમૂના લઇ કપિલના
નંબર લીધા હતા. બાદમાં ચાલક અને ફરિયાદી જઇ રહ્યા હતા ત્યારે કપિલે ફરિયાદીને ફોન કર્યો
હતો, જે ફોન ફરિયાદીના ધ્યાન બહાર ઉપડી ગયો હતો, તેવામાં જગા રબારીએ કપિલ કયા સમાજનો છે, તેવું પૂછતાં
ફરિયાદીએ અનુ. જાતિ વિશે અપશબ્દો કહ્યા હતા. કપિલનો ફોન ચાલુ હતો અને તેણે આ સાંભળી
લીધું હતું. બીજા દિવસે કપિલે ફોન કરી અને આગલા દિવસની વાત કરી હતી અને ફોન રેકોર્ડિંગનું
કહી ફરિયાદ કરવા જાઉં છું તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં ફોન કરી બંનેનું ખરાબ
લાગશે તેમ કહી ઘરે આવો સમાધાન કરી લઇએ તેમ કહી લાખાપર બોલાવ્યા હતા, જ્યાં ટપ્પર ગામ જવાના ત્રણ રસ્તા પાસે ઘણા લોકો વચ્ચે ફરિયાદીએ માફી માગી
હતી, ત્યારે ગામમાં આવી ગામની વચ્ચે માફી માગવા જણાવાયું હતું.
બાદમાં સાંજે ફરિયાદીને કપિલના ઘરે બોલાવાયા હતા જ્યાં અન્ય વીસેક લોકો જેમાં મહિલાઓ
પણ હતી. આ લોકોએ ફરિયાદી વૃદ્ધને ઘેરી લઇ અટકાયતમાં લઇ માર માર્યો હતો અને કોઇકે બુટ-ચપ્પલનો
હાર પહેરાવી ઘરેથી ગામના મંદિર સુધી ફેરવ્યા હતા. આ બનાવ અંગે કોઇકે વીડિયો બનાવ્યો
હતો. આ બનાવ દરમ્યાન ડ્રાઇવર જગા ત્યાંથી નીકળી ગયો હતો. ફરિયાદીને ઇજાઓ થતાં તેમને
સારવાર અર્થે લઇ જવાયા હતા. આ બનાવ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અંજાર
પોલીસ તા. 26/7ના ફરિયાદીના
ઘરે જઇ ફરિયાદ કરવાનું કહ્યું હતું, પરંતુ વૃદ્ધ ડરી ગયા હોવાથી ફરિયાદ કરી નહોતી. બાદમાં સમાજના લોકોએ હિંમત આપતાં
તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આગળની વધુ તપાસ પોલીસે હાથ
ધરી છે.