ભુજ, તા. 29 : ખનિજચોરી કચ્છમાં માફિયાગીરીનું
મોટું દૂષણ બની ગઇ છે. ખનિજ સમૃદ્ધ જિલ્લો સરકારને જેટલી રકમ રોયલ્ટી તરીકે કમાવી આપે
છે એથી અનેકગણી રકમ ખનિજચોરો કિંમતી દ્રવ્યો-બેફામ ઉલેચીને ઘરભેગી કરી રહ્યા છે. સરકારી
જમીનોમાં કે લીઝના ઓઠા હેઠળ બીજી ભૂમિમાં ભેલાણ કરી લેવાની મોડસ ઓપરેન્ડી કોઇથી અજાણી
નથી. આ ગેરપ્રવૃત્તિને સફેદ પોશ કે વર્ધીધારીના આશીર્વાદ મળતા રહ્યા છે. હાલમાં મુંદરા
તાલુકામાં ભૂખી નદીને પુનર્જીવિત કરવાની જનહિતકારી યોજનાના ક્રિયાન્વયન દરમ્યાન ખનિજચોરોએ
હજારો ટન રેતી ઉલેચવાનું શરૂ કરતાં ખળભળાટ મચ્યો છે. આઘાતની વાત એ છે કે, ભૂખી પ્રકલ્પથી જે ગામો, નદી કાંઠાની કાયાપલટ થવાની છે, નસીબ પલટવાનું છે એ ઉદ્દેશને
જ ખનિજ માફિયા નેસ્તનાબૂદ કરી રહ્યા છે. અહીં એ નોંધનીય છે કે, ગ્લોબલ કચ્છ - કચ્છમિત્ર દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ઉપક્રમે હાથ ધરાયેલા
ભૂખી નદી પુનર્જીવન પ્રોજેક્ટ અંતર્ગતનાં કામો દરમ્યાન રાત્રે રેતી ચોરી થતાં પ્રાગપર
પોલીસ અને ખાણ-ખનિજ (પૂર્વ) વિભાગે કાર્યવાહી કરીને કેટલાંક વાહનો ઝડપી પાડયાં હતાં.
મુંદરા વિસ્તારના લોકો કહે છે કે, ભૂખીનું નવસર્જન સેવાનો યજ્ઞ
છે, તેમાં સૌએ સાથ દેવો જોઇએ તેને બદલે ગેરકાયદે કમાણી કરી લેવાની
હોડ જામી છે. સૂત્રોએ આક્ષેપ કર્યો કે, ભૂખીમાંથી રોજના 30-40 ડમ્પર-લોડર ગેરકાયદે રેતી ઉલેચે
છે. ખાખી વર્ધીધારીઓ માટે મહિને ડમ્પરદીઠ દોઢ લાખ અને લોડરના લાખ રૂપિયા જેવા હપ્તા
ચાલે છે. અગાઉ આ અંગે પોલીસ તંત્રમાં ઉચ્ચસ્તરે રજૂઆતોએ થતી રહી છે છતાં પગલાં લેવાયાં
નથી. ખનિજચોરી કચ્છવ્યાપી ગંભીર પ્રશ્ન છે.
ખાસ કરીને અબડાસા, મુંદરા અને
ભચાઉ- રાપર જેવા વિસ્તારો ખનિજચોરી માટે વધુ કુખ્યાત છે, જેમાં મુંદરા તાલુકાની ભૂખી નદી એ
તો રેતીનો ભંડાર છે. આ રેતીના વિરાટ જથ્થાને કારણે જ ચોમાસામાં નદી વહે છે, ત્યારે પાણી કુદરતી રીતે ભૂતળમાં
ઊતરે છે અને કુદરતી જળસંચય પ્રક્રિયા થાય છે. જો કે, છેલ્લા ખાસ
કરીને દોઢ-બે દાયકાથી તાલુકામાં ઔદ્યોગિકીકરણ થયું, બાંધકામ વધ્યું
અને તેને પગલે રેતીની માંગ વધી ત્યારથી ભૂમાફિયાઓએ બેફામ રીતે આ ભૂખી નદીને કોરી ખાધી
છે. ક્યાંક તો તળાવ જેવા ઊડા ખાડાઓ પાડી નાખ્યા છે. આ ખાડાઓએ ગત ચોમાસે બાળકોનો જીવ
પણ લઈ લીધો હતો. દુ:ખની વાત એ છે કે, આ ધરતી માતાનું ધાવણ ચોરવાની
દુપ્રવૃત્તિઓમાં કહેવાતા અમુક નેતાઓનું પીઠબળ
છે અને પોલીસ અને ખનિજ તંત્રમાં રહેલા કેટલાક ભ્રષ્ટ - હપ્તાખોર માનસનાં અધિકારીઓનો
સાથ હોવાનોય આરોપ છે. આથી ગામના કહેવાતા અમુક આગેવાનો ખુદ તેમનાં ગામ પાસેથી પસાર થતી
નદીની જળવણીને બદલે ખનિજચોરી કરીને ફાટીને ધુમાડા થઈ રહ્યા છે. જો કે, મુંદરા તા.નાં ગામોમાં હજુ ઘણા જાગૃત અને આવી ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરનારા પણ છે,
જે આ બધું જોઈને જીવ બાળે છે અને કહે છે કે, આ
ખનિજ માફીઆઓ સામે ખૂલીને રજૂઆત કરીએ તો એ માથાભારે તત્ત્વો ધાકધમકી કરે છે,
ખોટા કેસમાં ફસાવવા પ્રયાસ કરે છે. અવાજ ઉઠાવનારાની વાડી, ખેતર આજુબાજુ નજર રાખી જીવ જોખમમાં મૂકે છે અને મોટેભાગે રજૂઆત લેનાર તંત્ર
પણ છૂટક પગલાં સિવાય કાંઈ વધુ કાર્યવાહી કરતું
નથી. આ સર્વવિદિત છે કે, આ નદીને નવસર્જિત કરીને જળસંચય,
રિચાર્જ બોર તેમજ નદી કાંઠા આસપાસ વોક-વે, બગીચા
નિર્માણ સહિત હરિયાળું નવસર્જન કરવાનાં ઉમદા કાર્યનું ગ્લોબલ કચ્છ - કચ્છમિત્રએ દીનદયાળ
પોર્ટ ઓથોરિટીની માતબર આર્થિક સહયોગથી બીડું ઝડપ્યું છે અને છેલ્લા લગભગ છ મહિનાથી
આ કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે. પણ, આ દરમિયાન કાંઠા પર પાળા
બનાવવા માટે મુકાયેલો જથ્થો ભૂમાફિયાઓની `બૂરી નજરે' ચડી રહ્યો
છે. દેશના અગ્રણી પોર્ટ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આર્થિક સહાયથી થતા આ નિ:સ્વાર્થ
અને સેવાભાવનાના `ભૂખી નદી નવસર્જન અભિયાન'ના મુંદરા તા.ના આ ઐતિહાસિક પ્રોજેક્ટનાં `હવનમાં પણ હાડકાં' નાખી રહ્યા છે. જો કે, કલેકટર, જિલ્લા સ્તરનાં પોલીસ અને ખનિજ તંત્રનાં અધિકારીઓ
આ સેવાકાર્યમાં કોઈ અવરોધ ન સર્જાય એ માટે મક્કમ છે અને સ્થાનિક તંત્રોને આવેલી સૂચનાઓને
પગલે રેતીચોરી- વાહનો પકડવાની કાર્યવાહીઓ થઈ રહી છે, પરંતુ એ
કાર્યવાહી આંશિક ન રહે, ચમરબંધીઓ સુધી પહોંચે ને સમગ્ર જડ સુધી
પહોંચે એ જરૂરી છે. - આ છે ભૂખી નદીનું સત્ત્વ ઉલેચવાની મોડસ ઓપરેન્ડી : આ ખનિજચોરીની મોડસ ઓપરેન્ડી એવી છે કે, આ માથાભારે અને સાથેસાથે તંત્ર અને રાજકીય મિલીભગતવાળા ખનિજચોરોએ પોતાના વિસ્તારો એવી રીતે વહેંચી લીધા
છે કે, જાણે નદી એમની માલિકીની હોય !! રેતીચોરી કરવા માટે આસપાસના માર્ગો પર દસ-પંદર બાઈક
સાથે છોકરાઓ રાખે છે, જે તુરંત માહિતી આપી દે કે, કોઈ સરકારી કે પોલીસની ગાડી આવે છે કે નહીં ? જેથી જેસીબી,
ડમ્પર, લોડર કે હિટાચી જેવાં સાધનોથી રેતીચોરી
કરવામાં જોડાયેલા માણસો એલર્ટ થઈ જાય. મુંદરા તાલુકામાં ખનિજ માફિયાઓની મોટી સંકલિત ગેંગ જ કામ કરે છે. સ્થળ પર આ ખનિજચોરો
હથિયારો સાથે સજ્જ રહે છે. અગાઉ રેતીચોરીથી દુશ્મનાવટ થકી અહીં ખૂનખરાબા પણ થઈ ચૂક્યા
છે. આ રીતે કરોડો રૂા.ની કિંમતી રેતી આ નદી પટથી છેલ્લા દાયકામાં ઊપડી ગઈ છે. હવે સરકારે
શા માટે આવું ચાલવા દીધું એ જ સવાલ ઊભો થાય
છે.