• બુધવાર, 22 જુલાઈ, 2026

ઋષિકુમારોને વિદ્યા કૌશલ્યનું જ્ઞાન અપાશે

ભુજ, તા. 21 : ચાંદ્રાણી ગામમાં ભુજ મંદિર સંસ્થાપિત અને રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ્નો શુભારંભ આષાઢી બીજના કરાયો હતો.  પ્રાચીન સ્થાપત્ય શૈલીથી નિર્મિત ગુરુકુળમાં વિદ્યારંભ સંસ્કાર દ્વારા 10 ઋષિકુમારોનો પ્રવેશોત્સવ ઊજવાયો હતો. ભુજ મંદિર મહંત સ્વામીની આજ્ઞાથી ઉપનિષદીય પંચકોષીય શિક્ષણ આધારિત સર્વાંગી શિક્ષા પ્રણાલી અમલી કરવામાં આવી છે. સંસ્થાના માર્ગદર્શક અક્ષરપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન 14 વિદ્યાઓ અને 64 કળાઓનો ક્રમશ: સમન્વય કરી અહીંના ઋષિકુમારોને વિદ્યા કૌશલ્યનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે, જેથી બાળકની સુષુપ્ત શક્તિઓ ખીલે  અને તે દેશસેવા તરફ આગળ વધે. ભુજ મંદિરના સ્વામી બાલકૃષ્ણદાસજી, સ્વામી મુકુંદજીવનદાસજી, સ્વામી હરિબળદાસજી, શાત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજી તેમજ પુરાણી સ્વામી શ્રીપ્રકાશદાસજીએ ઉપસ્થિત રહી બાળકો તથા વાલીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.વૈદિક તપોવન ગુરુકુળના આચાર્ય પાર્થ શાત્રીજીએ વાલી સંમેલનમાં નવી શિક્ષણ પદ્ધતિ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ વાલીઓ સાથે વાર્તાલાપ કરી તેમના પ્રશ્નોનું સંતોષકારક સમાધાન કર્યું હતું.  ગુરુકુળની વ્યવસ્થા સ્વામી અક્ષરપ્રિયદાસજી, પુરાણી સ્વામી રામપ્રિયદાસજી, પુરાણી સ્વામી રામાનુજદાસજી તેમજ શાત્રી સ્વામી ઈશ્વરપ્રિયદાસજી સંભાળી રહ્યા છે. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું. 

Panchang

dd