• ગુરુવાર, 23 જુલાઈ, 2026

મહિલાઓ પ્રશાસનિક અધિકારીનો અનુભવ મેળવશે

ભુજ, તા. 21 : `બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના અંતર્ગત બહેનોમાં નેતૃત્વના ગુણો ખીલે અને તેઓ સરકારી વહીવટી પ્રક્રિયા તથા લોકશાહીના સ્તંભોથી માહિતગાર થાય તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાનાં સીધા માર્ગદર્શન હેઠળ `શક્તિ લીડરશિપ' (મોક સંકલન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં બહેનો એક દિવસ માટે પ્રશાસનિક અધિકારી કલેક્ટર, ડીડીઓ, એસ.પી., ચૂંટાયેલા પદાધિકારીઓ (પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ) તેમજ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારની ભૂમિકા ભજવશે. આ મોક સંકલનનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓનો આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને ભવિષ્યની લીડર બનાવવાનો છે. આ કાર્યક્રમમાં 15થી 30 વર્ષની વિદ્યાર્થિનીઓ અથવા યુવતીઓ અરજી કરી શકશે. અહીં પ્રસિદ્ધ કરાયેલા ગૂગલ ફોર્મમાં પોતાની ભૂમિકાઓ જેવી કે અધિકારી/પદાધિકારી અથવા પત્રકાર સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. માર્યાદિત સંખ્યામાં પસંદગી કરવાની હોઈ માત્ર 70 દીકરીને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તેમજ પસંદ થયેલ દીકરીઓને એક દિવસની તાલીમ બાદ પોતપોતાની  ભૂમિકાઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે તેમજ સહભાગી થયેલ તમામ દીકરીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.  આ અનોખાં અભિયાનમાં ભાગ લેવા ઈચ્છતી કચ્છ જિલ્લાની રસ ધરાવતી બહેનોએ પોતાનું પૂરું નામ, ઉંમર, સરનામું, મોબાઈલ નંબર અને તેઓ કઈ ભૂમિકા ભજવવા માગે છે જેવી  વિગતો સાથેનું ગૂગલ ફોર્મ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-5માં સબમિટ કરવા જણાવાયું છે. કાર્યક્રમ તારીખ-05/08/2026ના જિલ્લા કલેક્ટર કચેરી, સંકલન હોલ ખાતે યોજાશે. રજિસ્ટ્રેશન લિંક : https://forms.gle/xNXQGhS1j6aHD5qf7 માં પણ પોતાની વિગતો દર્શાવી શકશે, એવું એક સરકારી યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd