• ગુરુવાર, 23 જુલાઈ, 2026

હાઉઝી કિંગે કોરાનામાં ઓનલાઈન હાઉઝી યોજી લોકોને હતાશામાંથી બહાર કાઢયા હતા

ગાંધીધામ, તા. 21 : પડાણા નજીક રામદેવ પીર મંદિર નજીક આડશ કે સિગ્નલ આપ્યા વગર ઊભેલી બસમાં અથડાતાં 1500 ઉપરાંત હાઉઝીના કાર્યક્રમ કરનારા લય અંતાણીએ અકાળે જીવ ખોયો હતો. આ કલાકારે કોરાના કાળમાં ઓનલાઈન હાઉઝીના કાર્યક્રમ ચાલુ રાખીને લોકોને હતાશામાંથી બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા. દેશભરમાં સેંકડો હાઉઝીના કાર્યક્રમો કરીને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરનો દરજ્જો ધરાવનાર આ યુવા કલાકાર અમદાવાદ ખાતે આષાઢી બીજ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા ત્યારે પડાણા પાસે ઊભેલી બસ નંબર એ.આર. 01-ટી-8100માં કાર અથડાતાં આ કલાકારને ઈજાઓને પગલે જીવ ખોવાનો વારો આવ્યો હતો. વર્ષ 2009થી શહેરની પી.એન. અમરશી શાળામાં ફરજ બજાવતા આ સંગીતના શિક્ષક હાલમાં વાઈસ પ્રિન્સિપાલના હોદ્દાએ પહોંચ્યા હતા. આ યુવા કલાકારે વર્ષ 2016-17થી હાઉઝીના કાર્યક્રમો શરૂ કર્યા હતા, તે પહેલાં સંગીતના કાર્યક્રમોમાં જોડાતા હતા. કોરાના કાળમાં બધું બંધ હતું. લોકો ઘરમાં પૂરાયેલા અને હતાશ હતા, ત્યારે તેઓએ ઓનલાઈન હાઉઝીના કાર્યક્રમો ચાલુ કર્યા હતા, જેમાં એનક લોકો જોડાતા હતા. આ યુવા કલાકારે કોરાના કાળમાં અનેક લોકોને હતાશામાંથી બહાર કાઢયા હતા અને ખડખડાટ હસાવ્યા હતા, તેઓએ પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસમાં પણ `હંમેશાં લયમાં રહો' મૂકી રાખ્યું હતું.  આ યુવા કલાકારના અચાનક અવસાનનાં પગલે સમગ્ર કચ્છમાં તેમના ચાહકો, મિત્રોમાં આઘાત સાથે ગમગીની પ્રસરી હતી, તો અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમના સંચાલકો પણ ગમગીન બન્યા હતા. આ યુવા કલાકારે હાઉઝીમાં પણ જુદા-જુદા પ્રકાર અપનાવ્યા હતા. શરૂઆતમાં મ્યુઝિકલ હાઉઝ બાદ ચિત્રહાર હાઉઝી સહિતના પ્રકાર આ કલાકારે શોધીને લોકોને ડોલાવ્યા હતા અને ખડખડાટ હસાવ્યા હતા. હસમુખા સ્વભાવના આ શિક્ષકનાં અવસાનથી હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં પણ ગમગીની પ્રસરી હતી. ખૂબ હસાવનાર આ યુવા કલાકારનાં અવસાનને પગલે લોકોની આંખોમાં આંસુ ફરી વળ્યા હતા. હતભાગી કલાકાર નવોદિત કલાકારોને તેમના કાર્યક્રમમાં મંચ આપતા હોવાનું કલાકાર કૌશલ છાયાએ જણાવ્યું હતું. કંઈક ને કાંઈક નવું કરવાની તેમનામાં ખેવના હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Panchang

dd