વિથોણ (તા. નખત્રાણા), તા. 21 : નખત્રાણા
પંથકના ખેતી અને ખેડૂતો ઉપર જળૂંબતા દુષ્કાળ વચ્ચે પહેલાં પવનથી વાવેતર બગડયું અને
અત્યારે જંગલી જાનવરો રોઝડા (નીલગાય), સૂવરોનાં ટોળાં વાવેતરનો કચ્ચરઘાણ વાળી પડયા ઉપર પાટુ મારે છે. ઉપરથી ખરા ટાણે
વીજ ધાંધિયા પણ નુકસાની માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પંથકની વાડીઓમાં જ્યારે રાની
પશુ (સૂવર) કે નીલગાયનું ટોળું આક્રમણ કરે છે, ત્યારે ફસલની નખોદ
કાઢી નાખે છે અને હાજર હોવા છતાં ખેડૂતોને સુરક્ષિત જગ્યાએ સંતાઇ જવું પડે છે. કારણ
કે, નીલગાયના નર પશુ સીધો ખેડૂતો ઉપર હુમલો કરે છે, જ્યારે રાની પશુનું ટોળું પલક ઝબકતાં વાવેતરનું ખેડાણ કરી નાખે છે અને ખેડૂતોના
ઉજાગરા એળે જાય છે. હવે તો વરસાદના આગાહીકારોની આગાહીઓ ખેડૂતોને ઝાંઝવાના નીર જેવી
લાગી રહી છે. 2026નું વર્ષ
ખેતી માટે જરાય સાનુકૂળ રહ્યું નથી. ખેડૂતો એક સાંધો ત્યાં અઢાર તૂટે છે. ખેતી પેદાશોમાં
આ વર્ષે લાખના બાર હજાર થવાની ભીતિ છે. સમગ્ર પંથકમાં જાનવરો અને રઝળતા પશુઓની કનડગત
વધતી જાય છે. હવે તો ગામની શેરીઓ અને બજારો તેમજ સીમાડાઓમાં જાનવરો દબદબાટી બોલાવી
રહ્યા છે. વાડીઓમાં કપાસ અને મગફળીનું લાખોના ખર્ચે વાવેતર થયું છે, પરંતુ જાનવરો તેને ધૂળધાણી કરી રહ્યાની ફરિયાદ
પંથકના ખેડૂતો કરી રહ્યા છે. કારણ કે, ખેડ, ખાતર, દવા અને મોંઘા બિયારણો લઇને તૈયાર કરેલ ફસલનું
ખેડૂતોની નજર સામે જાનવરો ખોદાણ કરી જાય છે. નખત્રાણા પંથકના મોસુણા, બેરૂ, સાંગનારા, વિથોણ પંથકના ચાવડકા,
થરાવડા, ભડલી, મોરજર,
આણંદસર, દેવપર, અધોછની,
સાંયરા, રોહા પંથકના વેસલપર, ખીરસરા, સુખપર, વિભાપર વિસ્તારના
ખેડૂતોની વેદના તેના ચહેરા ઉપર જોવા મળે છે અને દીપડાની લટારથી ખેડૂતો એકલ-દોકલ વાડીએ
જવા ખતરો અનુભવે છે. તેવું ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું.