• બુધવાર, 22 જુલાઈ, 2026

યુવાનો ઇતિહાસ રચી રહ્યા છે : મોદી

નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદનાં ચોમાસુ સત્રના પ્રારંભ પૂર્વે પત્રકારો સાથે વાત કરી હતી. દેશનાં પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1નાં સફળ લોન્ચના સંદર્ભ સાથે મોદી બોલ્યા હતા કે, 28 વર્ષના યુવાનો આજે દેશમાં ઇતિહાસ રચી રહ્યા છે. મને જણાવાયું હતું કે, સ્કાઇરૂટ કંપનીની જે ટીમે વિક્રમ-1નું સાહસ કરી બતાવ્યું તેમની સરેરાશ વય 28 વર્ષની છે. જો કે, હું કોઇ 56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો, તેવા પ્રહાર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કર્યા હતા. મોદી આવું બોલ્યા ત્યારે તેમની પાછળ ઊભેલા તેમના મંત્રી કિરણ રિજ્જુ હસતા દેખાયા હતા. વડાપ્રધાને  રાહુલનું નામ નહોતું લીધું, પરંતુ રાહુલની જ ઉમર 56 વર્ષ છે. વડાપ્રધાને વિપક્ષી દળોને વિરોધ કરવાના બદલે સકારાત્મક વલણ અપનાવીને ગૃહની કાર્યવાહીને સૂચારુરૂપે ચલાવવામાં મદદ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા એક મહિનામાં ભારતે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને સ્પેસ ક્ષેત્રે અસંખ્ય એવી સિદ્ધિઓ મેળવી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. મોદીએ સંસદની કાર્યવાહીમાં ગંભીરતા જાળવી રાખવા અંગે ભાર મૂકતા જણાવ્યું હતું કે, જ્યાં તર્ક અને તથ્યો મજબૂત હોય ત્યાં અવાજ ઊંચો કરવાની કે શોરબકોર કરવાની કોઈ જરૂર હોતી નથી. મને આશા છે કે, સંસદમાં ચર્ચાઓ તર્ક અને તથ્યોના આધારે થશે અને ગૃહમાં દરેક અવાજને સાંભળવાની તક  મળશે. પીએમે ઉમેર્યું કે, જો મોન્સૂન અને મોન્સૂન સત્ર બંને પ્રોએક્ટિવ હોય તો તે દેશ અને દરેક જીવમાત્રના કલ્યાણ માટે પ્રોડક્ટિવ સાબિત થાય છે. પોતાના સંબોધનમાં પીએમે દેશની તાજેતરની તકનીકી અને ઔદ્યોગિક પ્રગતિ ગણાવતા કહ્યું કે, તાજેતરમાં ભારતના યુવાનોના સ્ટાર્ટ-અપે સ્પેસ ક્ષેત્રે એવી સિદ્ધિ મેળવી છે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. આ સાબિત કરે છે કે દેશના યુવાનોની ક્ષમતાઓ સ્પેસ જેટલી અસીમ છે.

Panchang

dd