• શનિવાર, 30 મે, 2026

સિરક્રીક-હરામીનાળા ક્ષેત્ર અભેદ બનશે

ભુજ, તા. 29 : દેશની પશ્ચિમ સીમાએ આવેલાં કચ્છ ક્ષેત્રની સંવેદનશીલતા અને ભારતની સલામતીના દૃષ્ટિકોણથી વધેલાં મહત્ત્વને રેખાંકિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રને એવો સધિયારો આપ્યો હતો કે, સચોટ રણનીતિ અને અદ્યતન ટેક્નોલોજીની મદદથી સરકાર એવું અભેદ સુરક્ષાકવચ ઊભું કરવા જઈ રહી છે કે, સીમા પાર બેઠેલા શત્રુ આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર બીએસએફને નવાં ક્ષેત્ર સોંપીને કાર્યક્ષેત્ર વિસ્તારવાનું વિચારી રહી છે. તેમણે જાહેરાત કરી હતી કે, સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ક્ષેત્રીય સુરક્ષાનો નવો દૃષ્ટિકોણ ઉમેરાશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છનાં સીમાવર્તી ક્ષેત્રની મુલાકાત લઈને સ્થિતિની જાતમાહિતી મેળવી હતી. - શાહે કરી સીમા સુરક્ષાની સમીક્ષા : રણપ્રદેશ કચ્છની સરહદે જી-7 અને જી-13 સીમા ચોકીનું લોકાર્પણ કરતાં ગૃહમંત્રીએ સીમા સુરક્ષાની સમીક્ષા કરી હતી અને કચ્છ સીમા પર તૈનાત જવાનોને સંબોધન કર્યું હતું. અવસરે અમિત શાહે જણાવ્યું હતું કે, અતિ મુશ્કેલ અને દુર્ગમ એવા હરામીનાળા અને સીરક્રીકને સુરક્ષિત બનાવવા માટેની ચાલી રહેલી કામગીરી 70 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છેકેન્દ્ર સરકારે સીમાની સુરક્ષાની બીએસએફની આખી સંકલ્પનાનો કાયાકલ્પ કરવાનો ફેંસલો કર્યો છે, તેવું જવાનોને સંબોધતાં શાહ બોલ્યા હતા. બીએસએફ અત્યારે પાકિસ્તાન અને બાંગલાદેશ સાથેની ભારતની સીમા સાચવી રહ્યું છે. `મેં જ્યારે દેશના ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે બીએસએફની કામગીરીની મારી પહેલી  સમીક્ષા દરમ્યાન પાકિસ્તાનને લાગીને આવેલાં હરામીનાળા અને સીરક્રીક ક્ષેત્રમાં સલામતીની ઊણપો જણાઈ હતી,' એમ કહેતાં શ્રી શાહે ઉમેર્યું કે, સરકારે દરેક ક્ષેત્રમાં `લીકપ્રૂફ' સલામતી ગ્રીડ  સ્થાપવા એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જે અંતર્ગત વોચટાવરનું નિર્માણ થઈ રહ્યું છે. જવાનોને પીવાનું પાણી, તબીબી સેવા અને આવાસ સુવિધા પૂરી પાડવા કનેક્ટિંગ રોડ બાંધવામાં આવી રહ્યા છે અને નવું ફેન્સિંગ પણ થઈ રહ્યું છે. `હું કહી શકું કે, આ કામ 70 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે, મને અને ગૃહ ખાતાંને એનો સંતોષ છે કે, આવતાં બે વર્ષમાં આ દુર્ગમ અને સંવેદનશીલ ક્ષેત્ર શત્રુઓના મલીન ઈરાદાઓ સામે પૂરેપૂરું અને કાયમી રીતે સુરક્ષિત બની જશે,' એમ અમિતભાઈ શાહે ઉમેર્યું હતું. - જવાનો નથી થાકતા તો આપણે થાકવાનો અધિકાર નથી : ગૃહમંત્રીએ જણાવ્યું કે, બીએસએફના જવાનો ખૂબ વિષમ આબોહવા અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં રહે છે, પરંતુ અહીં આવીને જ્યારે તેમને હસતા ચહેરાઓ સાથે ભારતની સરહદોની સુરક્ષામાં અડગ ઊભેલા જોઈએ છીએ ત્યારે લાગે છે કે, તેમની સરખામણીમાં આપણું કામ ઘણું સરળ છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, જ્યારે બીએસએફના જવાનો નથી થાકતા તો આપણને થાકવાનો બિલકુલ પણ અધિકાર નથી. શ્રી અમિત શાહે કહ્યું કે, બીએસએફે સ્થાપનાથી લઈને અત્યાર સુધી વીતેલાં 60 વર્ષમાં દેશની બે સૌથી કઠિન સરહદની સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે. તેમણે જણાવ્યું કે, આ સરહદો પર તૈનાત બીએસએફ જવાનોને -45 ડિગ્રીથી લઈને +45 ડિગ્રીથી વધુ તાપમાન સુધી દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ક્યાંક કચ્છનું દુર્ગમ રણ છે, સીરક્રીક અને હરામીનાળાની દલદલી જમીન છે, તો ક્યાંક રાજસ્થાનના રેતીના ઢૂવાઓ વચ્ચે તૈનાત રહીને બીએસએફ જવાનોને કામ કરવું પડે છે. શ્રી શાહે જણાવ્યું કે, કાશ્મીરની બરફીલી ચોટીઓ અને સુંદરવનના જંગલો વચ્ચે ગંગાસાગરના કિનારેથી લઈને મેઘાલય અને આસામના પહાડી અને વન ક્ષેત્રો સુધી બીએસએફે વીતેલા છ દાયકામાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. બળના 2000 જવાનોએ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ જ કારણે ભારત સરકાર અને દેશની 140 કરોડ જનતા હંમેશાં બીએસએફ પ્રત્યે આદરની ભાવના રાખે છે અને ચેનની ઊંઘ પણ સૂવે છે. - જવાનોને જનતા જાણી તે માટે બનાસકાંઠામાં કેન્દ્ર : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, બનાસકાંઠામાં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેથી આમ જનતાને બીએસએફ જવાનોની કઠિન ડયૂટીની ખબર પડી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે, વીતેલા એક મહિનામાં લગભગ 2.5 લાખથી વધુ લોકોએ આ કેન્દ્રમાં જઈને બીએસએફની ડયૂટી વિશે જાણ્યું-સમજ્યું છે. શ્રી શાહે કહ્યું કે, શરૂઆતમાં ફીડબેક ફોર્મનાં માધ્યમથી એક સર્વે કરાવીને લોકો પાસેથી બીએસએફની ડયૂટી વિશે તેમના વિચારો પૂછવામાં આવ્યા હતા. તે સમયે કેટલીય મહિલાઓએ લખ્યું હતું કે, જો તેમના દીકરા-દીકરીઓ મોટા થઈને બીએસએફમાં જાય તો તેમને ગર્વ થશે. દેશ માટે આટલું કઠિન જીવન જીવવું બહુ મોટી વાત છે. દેશની જનતા માટે ફીડબેક ફોર્મને ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે. - બીએસએફના કારણે ભુજ-કચ્છ સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, બીએસએફના જવાનો સીરક્રીક અને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે, જેનાં કારણે ભુજની જનતા પૂરી રીતે સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે, અમે એવી સુવિધા આપીશું જેથી જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય. આના માટે મોદી સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, અમે બજેટની ચિંતા નથી કરી અને ટેક્નોલોજીના ઉપયોગમાં પણ કોઈ કસર છોડી નથી, જેનાથી ધીમે-ધીમે આ ક્ષેત્રમાં મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી કરવામાં આપણને સફળતા મળી છે. અમે અહીં સફળતાપૂર્વક વોચટાવરોનું નિર્માણ કર્યું અને આખા બીઓપી ક્ષેત્રને ગ્રાઉન્ડ લેવલથી ઉપર ઉઠાવ્યું. - ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ બનશે અમિત શાહે જણાવ્યું કે, બીએસએફની સ્થાપનાના 60મા વર્ષમાં અમે બીએસએફની સરહદ સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. અમે આવનારા દિવસોમાં એક ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ બનાવશું અને બોર્ડરની સુરક્ષાની જગ્યાએ ટેરિટોરિયલ સુરક્ષાનો નવો કન્સેપ્ટ લોન્ચ કરીશું. તેમણે જણાવ્યું કે, આમાં જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ અને મિલિટરીની સાથે જ બીએસએફ જવાનોની પણ પ્રમુખ જવાબદારી હશે. શ્રી શાહે જણાવ્યું કે, અમે સ્માર્ટ બોર્ડર સિક્યુરિટી પ્રોજેક્ટ હેઠળ સરહદ પર સુરક્ષા ગ્રીડને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છીએ. આમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે, ડ્રોન, રડાર, વોચટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને જવાનોની તૈનાતીથી એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આના પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.  - બંગાળમાં વાડ પૂરી થતાં ઘૂસણખોરી રોકી શકાશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, અમે નવાં ક્ષેત્રોને પણ બીએસએફને આપવા પર વિચાર કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, આપણી સુરક્ષા ગ્રીડમાં સૌથી મોટી ખામી બંગાળમાં બોર્ડર પર અધૂરું ફેન્સિંગ હતી. ભૌગોલિક પરિસ્થિતિને તો બદલી શકાતી નથી, પરંતુ જ્યાં જમીન છે અને બોર્ડર ફેન્સ બની શકે છે, ત્યાં પણ આપણને જમીન મળી નહોતી, પરંતુ પાછલા દિવસોમાં બંગાળની જનતાના આશીર્વાદથી બંગાળમાં અમારી પાર્ટીની સરકાર બની અને મુખ્યમંત્રીએ એક સપ્તાહની અંદર જ બોર્ડર પર ફેન્સિંગ માટે જમીન આપવાનો નિર્ણય સૈદ્ધાંતિક સ્તરે કરી દીધો છે અને કેટલીક જમીન આપી પણ દીધી છે. તેમણે જણાવ્યું કે, ફેન્સિંગ પૂરી થતાં જ અમે ઘૂસણખોરી રોકવામાં સફળ થઈશું. જંગલ તેમજ નદી-નાળાંઓના રસ્તે ઘૂસણખોરી રોકવા માટે ત્યાં પણ તકનીકી ફેન્સિંગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં બીએસએફના જવાનોના પરાક્રમ, સાહસ અને કર્તવ્યનિષ્ઠાનાં કારણે આખી સરહદ સુરક્ષિત થશે. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ જણાવ્યું કે, આખો દેશ બીએસએફ જવાનોના જુસ્સાનું સન્માન કરે છે, તેમને સલામ કરે છે, તેમનાં કારણે આજે ગુજરાતનાં આ ક્ષેત્રમાં શાંતિ છે.  

Panchang

dd