મુંદરા, તા. 29 : ગામની અંદર તથા બારોઈ રોડ ઉપર વધતા દબાણ, પાર્કિંગની સમસ્યા તથા વિકાસકામોમાં થતી બેદરકારી
નિવારવા મુંદરા ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત કરી હતી. મુંદરા-બારોઈ રોડ ઉપર નગરપાલિકા દ્વારા
પ્રજાની સુવિધા માટે સુંદર અને વ્યવસ્થિત ફૂટપાથ તેમજ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં
આવી છે, જે સરાહનીય કાર્ય છે, પરંતુ હાલમાં
શાકભાજી વેચનારાઓ, હાથગાડીવાળાઓ, ખાણીપીણીની
લારીઓ તથા અન્ય દબાણકારો દ્વારા ફૂટપાથ અને પાર્કિંગ વિસ્તારોમાં ભારે પ્રમાણમાં દબાણ
કરવામાં આવી રહ્યું છે. આ કારણે સામાન્ય પ્રજાજનો ફૂટપાથ ઉપર સરળતાથી ચાલી શકતા નથી
તથા વાહનચાલકોને પાર્કિંગમાં ગાડીઓ પાર્ક કરવાની પણ ભારે મુશ્કેલી પડે છે, અનેક વેપારીઓની દુકાનોની આગળ પોતાની લારીઓ અને ગાડીઓ મૂકી દેતા હોવાથી દુકાનમાં
આવતા ગ્રાહકોને મજબૂરીવશ રોડ ઉપર વાહનો ઊભા રાખવા પડે છે, જેના
કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાવાની પણ શક્યતા
રહેલી છે. આ ગામે નગરપાલિકાની શરૂઆત થઈ ત્યારે
તત્કાલીન પ્રમુખ કિશોરસિંહ પરમારે પ્રજાના હિતમાં દબાણો દૂર કરાવ્યા હતા, જેના કારણે રોડ વ્યવસ્થિત અને ખુલ્લા બન્યા હતા, પરંતુ
છેલ્લા અઢી વર્ષ દરમિયાન ફરીથી એ જ દબાણો યથાવત થઈ ગયા છે, જેના
કારણે રહેવાસીઓ, વેપારીઓ, મહિલાઓ,
વૃદ્ધો તથા વિદ્યાર્થીઓને રોજબરોજ અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો
કરવો પડે છે. આ ઉપરાંત હાલમાં વિકાસના નામે વિવિધ કામો ચાલી રહ્યા છે, પરંતુ ઘણા કોન્ટ્રાક્ટરો રોડ ઉપર ખાડા ખોદીને બે-બે અને ત્રણ-ત્રણ મહિના સુધી
કામ અધૂરું રાખી દે છે. જેના કારણે ધૂળ, કાદવ, ટ્રાફિક અવરોધ અને અકસ્માતની શક્યતાઓ સતત વધતી જાય છે. તેથી ફૂટપાથ અને પાર્કિંગ ઉપર થયેલા ગેરકાયદેસર
દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે અને નગરપાલિકાએ જે શાક માર્કેટ બનાવી છે ત્યાં આ દબાણકારોનું
સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી
છે.