મુંબઈ તા.30 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર વિજય
મેળવનાર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં મુખ્યમંત્રી પદનું કોકડું હજુય ગૂંચવાયેલું
રહ્યું છે. જો કે નવી સરકારની શપથવિધિની તારીખ, સમય અને સ્થળ ફાઈનલ થઈ ગયા છે. પરિણામ જાહેર થયાને સપ્તાહ થવામાં છે તેમ છતાં મહાયુતિ
મુખ્યમંત્રી કોણ ? તેનો નિર્ણય લઈ શકી નથી. બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ગમે ત્યારે
નામ જાહેર થવાની સંભાવના છે. ભાજપના સૂત્રો અનુસાર, 3 ડિસેમ્બર સુધીમાં મુખ્યમંત્રી
પદનો ચહેરો ફાઈનલ થશે અને પાંચમીએ બપોરે 1 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં શપથવિધિ યોજાશે.
નવી સરકારમાં મુખ્ય ત્રણ પાર્ટીમાં કોને કયો વિભાગ મળશે ? તે ત્રણેય પાર્ટીના નેતાઓ
સાથે મળીને નક્કી કરશે. દરમિયાન મુખ્યમંત્રી પદથી પીછેહઠ કરનાર પૂર્વ મુખ્યમંત્રી એકનાથ
શિંદે પોતાના ગામ સતારા ચાલ્યા ગયા હતા જયાં તેઓ બીમાર હોવાનું સામે આવતાં મુંબઈથી
ડોકટરોની ટીમ દોડી ગઈ છે. અહેવાલ મુજબ શિંદે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી ડેપ્યૂટી સીએમ
બનવા તૈયાર છે પરંતુ તેમણે ગૃહ વિભાગની માગ કરી છે જે ભાજપને સ્વીકાર્ય નથી. ર9 નવેમ્બરે
શિંદે અમિત શાહને મળવા દિલ્હી દોડી ગયા હતા અને પરત આવ્યા બાદ પોતાના તમામ કાર્યક્રમો
રદ કરીને અચાનક વતન સતારા ચાલ્યા ગયા હતા. બીજીતરફ ભાજપ વિધાયક દળની બેઠક બે દિવસ લંબાવવામાં
આવી છે. 1 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે જે 3 ડિસેમ્બર સુધી ચાલશે. દિલ્હીથી
બે નિરીક્ષક આવશે જે ધારાસભ્યો સાથે વાતચીત કરી સત્તાવાર રીતે મુખ્યમંત્રીના નામની
જાહેરાત કરશે. ત્યાર બાદ પમી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. - ભાજપ મુખ્યપ્રધાનની
પસંદગીમાં કંઇક નવું કરીને અચરજ સર્જી શકે છે : નવી દિલ્હી, તા. 30 : મહારાષ્ટ્રમાં
વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ'ને
સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપના મોવડીઓએ વિધાનસભાની
ચૂંટણીમાં `મહાયુતિ'ને
સ્પષ્ટ બહુમતી મળે તો દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવાશે એમ કહ્યું નહોતું અને
હજી સુધી પણ તે મુદ્દે સ્પષ્ટતા કરાઈ નથી. તેથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે આશ્ચર્યજનક
પસંદગી થાય તો નવાઈ નહીં એમ કહેવાય છે. શિવસેનાને તેની માગણી મુજબ ગૃહખાતું અપાશે અને
નવી સરકારમાં એકનાથ શિંદેની ભૂમિકા શું હશે એ વિશે પણ ભાજપે હજી સુધી ચોખવટ કરી નથી.
શિંદે તેમના વતન ગયા પછી માંદા પડયા છે, પરંતુ તેઓ સાજા થયા પછી મુંબઈ આવે તે પહેલાં
અમિત શાહ તેમને દિલ્હી મળવા બોલાવશે એમ મનાય છે.