અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ
શહેરનામાં નરોડા ખાતે આવેલા હંસપુરા વિસ્તારમાં ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
કરાયો છે. અમેરિકાના નાગરિકોના બેંક એકાઉન્ટનો ડેટા મેળવી બેંકના વકીલ હોવાની ખોટી
ઓળખ આપી લોન સેટલમેન્ટના નામે છેતરાપિંડી આચરતી ટોળકી નરોડા પોલીસને હાથ લાગી છે. આ
ટોળકીમાં બે યુવતી સહિત 7 શખ્સોની ધરપકડ
કરવામાં આવી છે. આ ઠગ ટોળકી સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને પોતાની જાળમાં ફસાવી ચૂકી
છે અને આશરે રૂ. 38 લાખ રૂપિયાનો
ચૂનો લગાવ્યો હોવાનું જણાયું છે. મુખ્ય સૂત્રધાર એવા જીગ્નેશ ઝાલાહર સહિત બે મહિલાઓ
અને પાંચ પુરુષોને પકડીને તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ
પાસે સાહિત્ય આર્કેડના પ્રથમ માળે નરોડા પોલીસે દરોડો પાડી બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
કર્યો છે. રેડ દરમિયાન જીગેશ ઝાલાહર, દેવાંગ સપકાલ, સુશીલ તોમર, દેવ
વૈષ્ણવ, ઇમ્તીહેન ચાર્મયાર્ડ, પ્રીતિ પટેલ
અને વૈશાલી વેધાની મળી આવતા તમામની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.